પગાર બંધ થતાં જેતપુરનાં શિક્ષકનો ઝેર પી આપઘાત

0
4962

પટેલ યુવાન જૂનાગઢનાં જોષીપૂરા વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં અંગ્રેજી વિષયનાં શિક્ષક હતા : ઓનલાઈન શિક્ષણને લીધે સ્કૂલો બંધ હતી ને રૂા. 30 હજારને બદલે હવે માત્ર રૂા. 5 હજાર માંડ પગાર મળતો’તો : લોકડાઉનને કારણે રૂા. 5 હજારમાં ઘરખર્ચ કાઢવો મુશ્કેલ પડતો’તો : આર્થિક ભીંસમાં આવી જતા પગલું ભરી લીધું : પોતાની વાડીએ જ ઝેરી દવા ગટગટાવી લીધી : પટેલ પરિવારમાં અરેરાટી

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકારના ઓનલાઈન શિક્ષણનાં નિર્ણયથી અનેક શિક્ષકોને પગાર મળવામાં મુશ્કેલી પડી રહી છે અને તેના પરિવારને ઘરખર્ચ અને પરિવારનાં નિભાવ ખર્ચમાં પણ તકલીફ પડી રહી છે. ત્યારે જેતપુરમાં રહેતા એક ખાનગી શાળાનાં શિક્ષકે આર્થિક ભીંસથી કંટાળી પોતાની વાડીએ ઝેરી દવા પી જતાં તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવતાં દમ તોડી દીધો હતો. યુવાનનાં મોતથી પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરમાં રહેતા અતુલભાઈ મગનભાઈ ઠુંમર (ઉ.31) નામના પટેલ યુવાને પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં પિતાએ બચાવી પ્રથમ જેતપુર બાદ અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. અતુલભાઈ પટેલ જૂનાગઢનાં જોષીપુરા વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં અંગ્રેજીનાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં.

અતુલભાઈનાં ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હતાં. બે ભાઈમાં નાના હતાં. અતુલભાઈને સ્કૂલમાં 30 હજાર પગાર મળતો હતો. પરંતુ કોરોનાનાં કહેર વચ્ચે ઓનલાઈન શિક્ષણથી અતુલભાઈને માત્ર 5 હજાર જ વેતન મળતું હતું. તેના ઘરનો નિભાવ ખર્ચ પણ માંડ-માંડ નીકળતો હતો જેથી અતુલભાઈ આર્થિક ભીંસમાં આવી જતાં તેની વાડીએ જઇ બેઠા હતાં.

અને પિતા કામ કરતાં હતા ત્યારે કોઇ ઝેરી દવા ગટગટાવી લેતાં તેના પિતાએ અતુલભાઈને પ્રથમ જેતપુરની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેઓનું સારવારમાં મોત નીપજ્યું હતું. અતુલભાઈ છેલ્લા 3 વર્ષથી ખાનગી શાળામાં ફરજ બજાવતાં હતાં. અતુલભાઈનાં મોતથી પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બાલસે કાગળો કરી જેતપુર પોલીસને જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here