સુરત સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત ભાઇઓને રાખડી મોકલી

0
347
  • નર્સિંગ કોલેજની 35 વિદ્યાર્થિનીઓએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણીનો સંકલ્પ કર્યો
  • કોરોનાગ્રસ્ત ભાઇઓ માટે બહેનનો પવિત્ર સંબંધ નિભાવી, રાખડીઓ મોકલી, પ્રાર્થના કરશે

 પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હોય અને બહેન ભાઇ એકબીજાને જરૂરથી મળે તેમજ બહેન ભાઇના જીવનની રક્ષા કાજે તેના હાથ પર રક્ષાસુત્ર-રાખડી બાંધે છે. કોઇક કારણોસર બહેન કે ભાઇ એકબીજાને રૂબરૂ ન મળી શકે તો પણ બહેન રાખડી તો ચોક્કસપણે ભાઇને મોકલાવે જ છે. આવી સ્થિતિ હાલમાં કોરોના મહામારીમાં સપડાયેલા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ભાઇઓની છે કે જેઓ બહેનને પ્રત્યક્ષ મળી શકતા નથી કે બહેન ભાઇને હાથે રાખડી બાંધી શકતી નથી. પરંતુ સુરત સિવિલ હોસ્પિટલની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિની બહેનોએ ભાઇ-બહેનના આ પવિત્ર દિવસની ગરિમાને વધુ ઉજાળી કોરોનાગ્રસ્ત હોસ્પિટલાઇઝ થયેલા બાંધવોને રક્ષાસુત્ર- રાખડી મોકલી સારા સ્વાસ્થ્ય સાથે જીવન રક્ષાની પણ કામના કરી છે. સરકારી નર્સિંગ કોલેજની 35 વિદ્યાર્થિનીઓએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણીનો સંકલ્પ કર્યો છે. તેઓ કોવિડ વોર્ડમાં કોરોનાગ્રસ્ત ભાઇઓ માટે બહેનનો પવિત્ર સંબંધ નિભાવી, રાખડીઓ મોકલી, દિર્ઘાયું માટે પ્રાર્થના કરશે.

35 વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થી ફરજ બજાવી યોગદાન આપે છે
કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા આરોગ્યતંત્ર અને પ્રશાસન દિવસ રાત એક કરીને યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યાં છે. જેમાં વેકેશન હોવા છતાં સિવિલ ખાતે સરકારી નર્સિંગ કોલેજની 35 વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થી રાતદિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી યોગદાન આપી રહ્યા છે, ત્યારે દર્દીઓની સેવા સાથે માનવીય અભિગમ અપનાવી આ બહેનોએ કોરોનાગ્રસ્ત ભાઈઓ એકલાં નથી, અમે તમારી સાથે છીએ, એવી પ્રેરક સંવેદના દર્શાવી છે. જેથી નર્સિંગ બહેનોની નિ:સ્વાર્થ સેવાને બિરદાવવા તમામ નર્સિંગ સ્ટુડન્ટને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવાંમાં આવ્યા હતા.

સંવેદનશીલ ભાવનાની સરાહના કરી રાખડીઓ વોર્ડમાં મોકલાશે
ગવર્નમેન્ટ કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ ઈન્દ્રાવતી રાવે જણાવ્યું કે, કોરોના મહામારીને નાથવામાં તબીબોની સાથે નર્સિંગ સ્ટાફ પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે નર્સિંગ કોલેજની GNM, Bsc. નર્સિંગ અને NPMની 35 વિદ્યાર્થિની અને એક પુરૂષ જુલાઈ મહિનાથી સિવિલમાં સેવામાં જોડાઈને હોસ્પિટલના કોવિર્ડ વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે. તેમના માટે રહેવા જમવાથી લઈને તમામ જરૂરી સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. સ્વયં પ્રેરણાથી વિદ્યાર્થિનીઓએ કોરોનાગ્રસ્ત ભાઇઓ માટે રાખડીઓ મોકલાવી છે. તેમની સંવેદનશીલ ભાવનાની અમે સરાહના કરી રાખડીઓ સ્વીકારીને કોવિડ વોર્ડમાં મોકલી આપીશું. આ બહેનો રાતદિવસ જોયા વિના નવી સિવિલમાં સતત પોતાનું યોગદાન આપી રહ્યા છે.

રાખડીઓ અર્પણ કરી કોરોના દર્દીની બહેનની જવાબદારી નિભાવી
BSC નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ ખૂશ્બુ મોરિયાએ જણાવ્યું કે, પરિવારજનો અમારી કોવિડ કામગીરીના કારણે ચિંતિત હતા, પરંતુ ઘરે માતાપિતા અને સૌને સમજાવ્યા કે, કોરોના જેવા સંકટના સમયે દર્દીઓની સેવા કરવી એ અમારી ફરજ છે. આવા સમયે સિવિલ હોસ્પિટલને અમારી સૌથી વધુ જરૂર છે. દર્દીઓના પરિવારજનો પણ ચિંતામાં હોય છે, કેમ કે તેઓ સાથે તો રહી નથી શકતા, જેથી સોમવારે રક્ષાબંધન હોવાથી અમે રાખડીઓ અર્પણ કરી તેમની બહેનની જવાબદારી પણ નિભાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here