શાળા કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થિનીઓ તરફથી મોકલાતી રાખડીની સંખ્યા ઘટી
રાજકોટ કોરોનાને કારણે આ વખતે બહારગામ રહેતી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા જવાનું ટાળી રહી છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ હોવાથી આ વખતે રાજકોટથી રાખડી મોકલવાનું પ્રમાણ વધુ છે. જ્યારે સુરતમાં રાખડી મોકલવાનું પ્રમાણ ઓછું છે. કોરોનાથી બચવા માટે માસ્ક જરૂરી છે. ત્યારે ભાઈની આરોગ્યની સુરક્ષા માટે બહેનો રાખડીની સાથે માસ્ક પણ મોકલી રહી છે. જ્યારે મીઠાઈ મોકલવાનું પ્રમાણ ઘટ્યું છે.
વતન વાપસીને લીધે આ વખતે કુરિયર ઓછાં
રાજકોટમાં કુરિયર મારફતે ગત વરસે રોજની 500 જેટલી રાખડી પાર્સલ થતી હતી તે હવે 350 જેટલી થઈ છે. આ અંગેનું મુખ્ય કારણ એ છે કે બહારગામ રહેતા લોકો પરિવાર સાથે પોતાના વતન જસદણ, અમરેલી, ભાવનગર આવી ગયા હોવાથી ત્યાં મોકલવાની રાખડીની સંખ્યા ઘટી ગઈ છે. આ ઉપરાંત શાળા કોલેજ બંધ છે. તેથી વિદ્યાર્થી ભાઈઓ બહેનો બધા પોતાની ઘરે જ છે. તેથી એની સંખ્યા પ્રમાણમાં ઓછી નોંધાઈ રહી છે. જ્યારે જે રાજ્યોમાં લોકડાઉન છે ત્યાંના ઓર્ડર સંચાલકો ખૂદ સ્વીકારતા નથી.
વિદ્યાર્થીઓએ કોકોપીટમાંથી ઈકો ફ્રેન્ડલી રાખડી બનાવી
રાજકોટના કેટલાક વિદ્યાર્થીઓએ ઈકો ફેન્ડલી રાખડી બનાવી છે. જે માટે તેઓએ કોકોપીટ, ઘઉં, તજ, એલચી, મગ, મઠ, નાડાછડીનો ઉપયોગ કર્યો છે. સ્કૂલ સંચાલિકા તૃપ્તિબેન ગજેરાના જણાવ્યાનુસાર ઈકો ફેન્ડલી રાખડી બાંધ્યા બાદ ઘરમાં જ તેનું વિસર્જન કરવામાં આવશે. અને જે કઠોળ છે તેને માટીના કૂંડામાં નાખવામાં આવશે. જેથી કરીને તે ભવિષ્યમાં વૃક્ષ બની શકે.
સૌથી વધુ રાખડી અને બીજા નંબરે ડોક્યુમેન્ટ કુરિયર થાય છે
રાખડી મોકલવાના ઓર્ડરનું બુકિંગ 15 દિવસથી શરૂ થઈ ગયું છે. હાલ સૌથી વધુ બુકિંગ રાખડીનું થઈ રહ્યું છે. જ્યારે બીજા નંબરે ડોક્યુમેન્ટના ઓર્ડર બૂક થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં રાબેતા મુજબનું જ બુકિંગ છે. સૌથી વધુ તફાવત સુરત શહેર માટે નોંધાયા છે. પાર્સલ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી નોંધાઈ રહ્યા છે. > રામભાઈ મોકરિયા, કુરિયર સંચાલક