ગીર સોમનાથ જીલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

0
381

સ્તનપાન : જીવનને એક આદર્શ શરૂઆત પુરી પાડે છે

કોરોના મહામારીના આ સમયમાં પણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ જ રામબાણ ઉપાય બન્યો છે. ત્યારે બાળકોમા જન્મની સાથે જ જીવનભર સાથે રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતા થકી આપે છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં તા. ૧ ઓગષ્ટ થી તા. ૭ ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે ગીર-સોમનાથ જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા તા. ૧ થી તા. ૭ ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણીમા સપ્તાહ દરમ્યાન તા. ૧ થી ૭ ઓગષ્ટ સુધી જન્મેલા બાળકોની માતા તથા કુટુંબ સાથે સ્તનપાનની સમજણ માટે વાર્તાલાપ, તા. ૨ ઓગષ્ટ ના રોજ સ્તનપાન વિષય જનજાગૃતિ, તા. ૩ ઓગષ્ટ નાં રોજ લોકલ ચેનલ દ્વારા સ્તનપાનનું મહત્વ, તા. ૪ ઓગષ્ટ નાં રોજ ઉંબરે આંગણવાડી કાર્યક્રમ, તા. ૫ ઓગષ્ટ નાં રોજ કુપોષણ ઘટાડવા માટે કુટુંબ સામ્ય સાથે સ્તનપાનના ફાયદાની જાણકારી, તા. ૬ ઓગષ્ટ નાં રોજ નવજાત શિશુને સ્તનપાનના ફાયદા અને બહારના દુધથી થતુ નુકશાન અંગે જાણકારી અને તા. ૭ ઓગષ્ટ નાં રોજ તા. ૧ થી ૭ ઓગષ્ટ દરમ્યાન જન્મેલા બાળકોના ઘરે અને સગર્ભાના ઘરે વૃક્ષારોપણ કરી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તેમજ આ ઉજવણી દરમ્યાન રીઝનલ કક્ષાએથી આર.ડી.ઓ.શ્રી, જિલ્લા કક્ષાએથી કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, સી.ડી.એચ.ઓ. સહિત જિલ્લાના અધિકારીઓ અને તાલુકાકક્ષાએથી તા. ૧ થી ૭ ઓગષ્ટ સુધીમાં નવજાત બાળકોના જન્મ થયા હોય એવા માતા અથવા કુટુંબ સાથે ટેલીફોનીક/વીડિયોના માધ્યમથી વાર્તાલાપ કરશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકો માટે સ્તનપાનના આ મહત્વના કારણે જ વૈશ્વિક સ્તરે વર્લ્ડ અલાયન્સ ફોર બેસ્ટ ફીડીંગ એકશન દ્વારા વર્ષ ૧૯૯૨ થી લોક ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશમાં વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનીસેફ પણ જોડાયા અને અત્યારે વિશ્વભરમાં ઓગષ્ટના પહેલા સપ્તાહને વલ્ડ બ્રેસ્ટ ફીડીંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહ દરમ્યાન સ્તનપાનથી થતા ફાયદાઓથી સગર્ભા અને ધાત્રી માતાઓને અવગત કરવામાં આવે છે અને તેમને બાળકોને સ્તનપાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અહેવાલ:- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here