ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

0
258

હિન્દુ કુંભાર સમાજના બ્રેઈનડેડ કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા(પ્રજાપતી) ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમ થી તેમના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલના ડૉ.હિતેશ ચાવડા અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું. જયારે કિડનીઓનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ના ડૉ. સુરેશ કુમાર અને તેમની ટીમે આવી સ્વીકાર્યું.દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડૉ.હિતેશ ચાવડાઅને તેમની ટીમ દ્વારા એક જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવી રહ્યું છે. જયારે એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે સુરત અને અંકલેશ્વર માંથી ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા ઓગણીસ દિવસમાં ચાર બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ૨ હૃદય, ૨ ફેફસાં, ૮ કિડની, ૪ લિવર અને ૬ ચક્ષુઓ સહીત કુલ ૨૨ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૨૧ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી, ન્યૂરોસર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.કલ્પેશ કલસરિયા, ઓપ્થેલમોલોજીસ્ટ ડૉ. અંજના ચૌહાણ, મેડીકલ ઓફીસર ડૉ. સમીરા શેખ, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને વિનય વસાવા અને ભરૂચ સિવિલ હોસ્પીટલના મેડીકલ ઓફિસર ડૉ. ઇન્દીરાબેન કોન્ટ્રાકટર સહકાર સાંપડ્યો હતો.સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૯૦ કિડની, ૧૬૧ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૩ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૨ ચક્ષુઓ કુલ ૮૯૬ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૨૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છેડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા(પ્રજાપતી) પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે.અંગદાન…જીવનદાન…