
જામનગર શહેરના કે.વી. રોડ ખાતે આવેલ ગીતા વિદ્યાલયમાં વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત તથા શ્રી રણછોડ દાસજી આશ્રમ રાજકોટ દ્વારા પ્રેરિત નેત્ર નિદાન કેમ્પમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી સંસ્થા દ્વારા હાથ ધરાતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. રાજ્યમંત્રી એ કેમ્પમાં હાજર રહી દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા હતા તેમજ સંસ્થાના હોદેદારોને જનહિતના આવા સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ મંત્રી ને સંસ્થાકિય પ્રવૃતિઓ વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે,આજના આ કેમ્પમાં હાલ ૫૦ દર્દીઓ સારવાર લઇ ચુક્યાં છે જેમાંથી ૧૭ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટના રણછોડદાસ આશ્રમ ખાતે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા ૯૦૦ જેટલા કેમ્પોનું આયોજન હાથ ધરી ૧૩ હજાર જેટલા દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ જરૂરિયાતવાળા દર્દીઓને સ્થળ પર જ વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું છે. સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિને રાજ્યમંત્રી એ બિરદાવી હતી તેમજ સંસ્થાના પ્રમુખ તથા હોદ્દેદારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નેત્રદાન કેમ્પના સ્થળે સંસ્થાના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો.


અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર