- મેગા સીટી રાજટોકમાં કોરોનાની વેક્સીનના ડોઝની અછત સર્જાઇ
- આરોગ્ય કેન્દ્રો ઉપર બંધની નોટિસ લગાવી તાળા મારી દેવામાં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો
- સરકાર અને તંત્ર મોટી મોટી વાતો અને પ્રચાર કરે છે, પણ હકીકતમાં તે પ્રમાણે કંઇ થતું નથી

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઇ રહી છે. એવામાં કાચિંડાની જેમ કલર બદલતા કોરોના સામે વેક્સિન એકમાત્ર શસ્ત્ર છે. જેને લઈને રસીકરણ અભિયાન ચલાવવાની મોટી વાતો રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ જમીની વાત સાવ અલગ જ છે. રાજકોટ જેવા મેગા સિટીમાં પણ વેક્સિનની ગંભીર અછત સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. અને શહેરનાં આરોગ્ય કેન્દ્રો ઉપર બંધની નોટિસ લગાવી તાળા મારી દેવામાં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને સવાલ ઉઠી રહ્યા છે કે, આ કેવું આયોજન છે ?
જાણવા મળતી વિગતો અનુસાર, શહેરમાં મનપાના રસીકરણ કેન્દ્રો પર વેકસીનનો સ્ટોક ન હોવાને કારણે તાળા મારી દેવામાં આવ્યા છે. શાસ્ત્રી મેદાન નજીકમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા મારી દેવામાં આવ્યા છે. અને નોટિસ ચોંટાડવામાં આવી છે કે શનિવારે વેક્સિનેશન બંધ રહેશે. તો અન્ય મોટા ભાગના સેન્ટરો ઉપર 18થી 44 વર્ષના લોકોને અપાતી કોવિશીલ્ડ રસીનો સ્ટોક ખતમ થઇ ગયો છે. તેમજ હાલ તમામ રસીકરણ કેન્દ્ર પર માત્ર કોવેક્સિન રસી જ ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. જેને લઈ બીજો ડોઝ લેવા આવતા લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે.
વેકસીનેશન માટે આવેલા રાજેશભાઇએ જણાવ્યું હતું કે, કાલે પણ રસીનો સ્ટોક નહોતો અને આજેય નથી. ગઇકાલે અમને કહ્યું હતું કે, સદરમાં રેડક્રોસ સેન્ટરમાં મળી જશે. પણ ત્યાં તપાસ કરતા સ્ટોક નહીં હોવાનું જાણવા મળ્યું હતું. 2-3 દિવસથી મારી નજર સામે પાંચથી છ લોકો આવે અને વેક્સિન લીધા વિના જતા રહે છે. સરકાર અને તંત્ર મોટી મોટી વાતો અને પ્રચાર કરે છે. પણ હકીકતમાં તે પ્રમાણે કંઇ થતું નથી. કંઇ રીતે આયોજન છે તે કંઇ ખબર જ પડતી નથી.
શુક્રવારે બપોર બાદ જ્યાં સૌથી વધુ રસી અપાય છે તેવા મવડી, શાસ્ત્રીમેદાન, સૂચક, નાનામવા ઉપરાંત રામનાથપરાના આરોગ્ય કેન્દ્રોમાં રસી પૂરી થઈ જતા લોકોને પરત ફરવુ પડ્યું હતું. જો કે આરોગ્ય શાખાના અધિકારીએ બચાવ કરતા કહ્યું હતું કે, રસીકરણનો સમય વિતી ગયા બાદ રાત્રિના સમયે 12000 ડોઝ પહોંચાડવામાં આવ્યા છે. પરંતુ આ સ્ટોક માત્ર એક દિવસ પૂરતો છે ત્યારે જો આજે બીજો સ્ટોક નહીં આવે તો રવિવારે વેક્સિનેશન અટકી પડશે તે નક્કી છે.