બુલેટ ટ્રેનના રૂટ પર સાબરમતીથી વટવા સુધી 4 હજારમાંથી 600થી વધુ વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરાયા

0
278

અમદાવાદ-મુંબઈ વચ્ચે 60 હજારમાંથી 40 ટકા વૃક્ષનું ટ્રાન્સપ્લાન્ટ કરાશે

અમદાવાદથી મુંબઈ વચ્ચેના રૂટ પર બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખી રૂટ પર આવતા મોટાભાગના વૃક્ષો યથાસ્થિતિમાં અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં ડી કેબિનથી વટવા સુધીના રૂટ પર આવતા 4000 જેટલા વૃક્ષોમાંથી 608 વૃક્ષોનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકીનાની કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેનના અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટરના રૂટ પર લગભગ 60 હજાર જેટલા વૃક્ષો છે જેમાંથી 40 ટકાથી વધુ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

એનએચએસઆરસીએલ અધિકારીએ જણાવ્યું કે, બુલેટ ટ્રેનના રૂટ પર કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ થાય તે પહેલા પર્યાવરણને સાચવવાના ભાગરૂપે મોટા વૃક્ષોને યથાસ્થિતિમાં અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. અમદાવાદ – મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના રૂટ પર 60 હજારથી વધુ વૃક્ષો છે, જેમાંથી 90 સેન્ટીમીટર સુધીનો ઘેરાવ ધરાવતા વૃક્ષોને વિશેષ મશીનની મદદથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જ્યારે 90 સેન્ટીમીટરથી વધુ ઘેરાવ ધરાવતા વૃક્ષોને કાપવામાં આવશે. જોકે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે એક કપાયેલા વૃક્ષની સામે 10 વૃક્ષ રોપી સ્થાનિક તંત્રને 25 હજાર રૂપિયા આપવામાં આવશે.

વૃક્ષો બચાવવા સ્ટેશનની ડિઝાઈનમાં ફેરફાર
એનએચએસઆરસીએલના અધિકારીએ જણાવ્યું કે, બુલેટ ટ્રેનના થાણે સ્ટેશનની જૂની ડિઝાઈનના કારણે 53 હજારથી વધુ મેનગ્રોવના વૃક્ષો કાપવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આટલી સંખ્યામાં મેનગ્રોવ વૃક્ષો ન કાપવા પડે તે માટે થાણે સ્ટેશનની ડિઝાઈનમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે, જેના પગલે હવે 53 હજારના બદલે 32 હજાર જેટલા મેનગ્રોવ વૃક્ષો કાપવા પડશે. ત્યાં પણ એક મેનગ્રોવ સામે 5 મેનગ્રોવ વૃક્ષ ઉછેરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here