શહેરના યાજ્ઞિક રોડ પર ત્રણ યુવાનો વચ્ચે મારામારી થઈ.
- મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. શહેરના યાજ્ઞિક રોડ પર ગઇકાલે સાંજના સમયે બે યુવાને અન્ય એક યુવાન પર પથ્થર વડે હુમલો કરી એકબીજા સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે આ અંગે અત્યારસુધીમાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને સમાધાન થઈ ગયાનું જાણવા મળ્યું છે. મારામારી થતાં જ આસપાસમાંથી લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં. રૂપિયાની લેતીદેતી મામલે ત્રણેય યુવાનો મારામારી પર ઊતરી આવ્યાનું જાણવા મળ્યું છે.
પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર ચંદુભાઇ ભેળવાળાની દુકાન નજીક સાંજના સમયે બેથી ચાર લોકો બેઠા અને અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. બાદમાં એકબીજા સાથે ઝપાઝપી કરી હતી અને પથ્થર ઉપાડી મારવા માટે કોશિશ કરી હતી. જોકે સામેવાળી વ્યક્તિએ પણ પ્રતિકાર કર્યો હતો અને બંને યુવાન પર તૂટી પડ્યો હતો અને માર મારવા લાગ્યો હતો.

રૂપિયાની લેતીદેતીમાં ત્રણ યુવાન મારામારી પર ઊતરી આવ્યા.
એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
આ મારામારીની ઘટનામાં રૂપિયાની લેતીદેતી કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. વાઇરલ વીડિયો અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે રાજકોટના રેસકોર્સ રોડ પર રૂપિયાની લેતીદેતી મામલે મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિ.માં જુનિયર ડોક્ટરને ત્રણ સિનિયર ડોક્ટરે માર માર્યો
રાજકોટમાં ગઇકાલે ઇન્ટર્ન તબીબો વચ્ચે માથાકૂટ થયાની ઘટના સામે આવી હતી. સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા તેના જુનિયરને ‘તને સીધો કરવાનો છે’ કહી ઢીંકાપાટુનો માર માર્યો હતો. આ અંગે પીડિત જુનિયર તબીબ ડો.ધવલે આરોપી વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

પથ્થર વડે હુમલાનો પ્રયાસ કરાયો.
તું અમારું માનતો નથી, કહી ઢીંકાપાટુ મારવાનું શરૂ કરી દીધું
પીડિત તબીબ ડો.ધવલે સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મને મારા સિનિયર દ્વારા ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને મને કહ્યું હતું કે હવે પરીક્ષા પૂરી થઇ ગઈ છે. હવે અમે તને સીધો કરીશું, એટલે મેં તેમને પૂછ્યું કે તમે કહેવા શું માગો છો, ત્યારે મારા સિનિયરે કહ્યું હતું કે તું અમારું માનતો નથી. હું કંઈ પ્રત્યુત્તર આપું એ પહેલા એક સિનિયરે મને પાછળથી માથા પર માર્યું અને અન્ય સિનિયરોએ મને ઢીંકાપાટુ મારવાનું શરૂ કરી દીધું હતું. મારા ત્રણ સિનિયર ડો.જિમિત ગઢિયા, ડો.કેયૂર મુનિયા અને ડો.આલોક સિંઘે મળીને મને ખૂબ માર માર્યો હતો અને પછી નાસી ગયા હતા.

મારામારી થતાં જ લોકોનાં ટોળા અકત્ર થઇ ગયાં.
અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાની કબૂલાત
આ મામલે જુનિયર ડોક્ટર ધવલ બારોટે જણાવ્યું હતું કે સાંજના સમયે હું મારી ડ્યૂટી પર NICU વિભાગમાં હતો. ત્યારે મને મારા સિનિયર ડોક્ટર કેયૂરે બોલાવી ગાળો આપી હતી. બાદમાં અન્ય બે સિનિયર સાથે મળી મને ખૂણામાં લઇ જઇ માર માર્યો હતો. એ બાદ અમારે ઝપાઝપી થઇ હતી તો દર્દીઓનાં સગાં-સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફે છૂટા પાડ્યા હતા. સિનિયરો દ્વારા છેલ્લા 6થી 7 મહિનાથી કોઇ ને કોઇ રીતે હેરાન કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. એની સામે પ્રતિઆક્ષેપ કરતા સિનિયર ડોક્ટર કેયૂરે જણાવ્યું હતું કે ‘જુનિયર ડોકટર ધવલ બારોટ ફોન કરી તેમના ભાઇ સાથે વાત કરવા કહી તેમના ભાઇએ ફોન પર ગાળો આપી હતી અને બાદમાં અમને માર માર્યો હતો.