રાજકોટમાં ટ્રાન્સજેન્ડર બાદ કિન્નરો મેદાને, કહ્યું- નકલી કિન્નરો બની ભિક્ષાવૃત્તિ કરી અસલીને બદનામ કરે છે, ચાંદનીને ભિક્ષાવૃત્તિ કરાવી નથી

0
379

આજે કિન્નર સમાજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું.

  • માગવા જવાનું હોય તો જવાનું, બાકી ઘરે બેસી ખાય-પીને મજા કરવાનીઃ મિરાદે

રાજકોટમાં ટ્રાન્સજેન્ડર વુમન ચાંદની મકવાણા અને કિન્નર સમાજ વચ્ચે ફરી વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઇકાલે ચાંદનીએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મિરાંદે ઉર્ફે ફટકડીએ આક્ષેપ કર્યો હતો કે, કિન્નરોએ તેને નગ્ન કરી માર મારી વીડિયો રેકોર્ડ કર્યો છે. તેની સામે હવે કિન્નર સમાજ મેદાને ઉતર્યો છે. આજે કિન્નર સમાજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ચાંદનીના આક્ષેપોને નકાર્યા છે. તેમજ જણાવ્યું હતું કે, નકલી કિન્નરો બની ભિક્ષાવૃત્તિ કરી અસલી કિન્નરોને બદનામ કરવામાં આવે છે. ચાંદનીને ભિક્ષાવૃત્તિ માટે ક્યારેય ફોર્સ કર્યો નથી.

નકલી કિન્નરોથી અમને ન્યાય આપોઃ મિરાદે
વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે ટ્રાન્સજેન્ડર વુમન ચાંદની મકવાણાએ કરેલા આક્ષેપોને પણ કિન્નર સમાજ નકારે છે. તમામ આક્ષેપો ખોટા છે. કિન્નરોને ન્યાય મળે અને નકલી કિન્નરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં અમારી એટલી જ માગ છે કે, નકલી કિન્નરોથી અમને ન્યાય મળે. ચાંદની મકવાણા અને પાયલ રાઠોડ નકલી કિન્નર છે. એટ્રોસિટી અને જાતિવાદની ધમકીઓ આપી અમને ડરાવે છે. મેં ચાંદનીને ભિક્ષાવૃત્તિ માટે ક્યારેય ફોર્સ કર્યો નથી અને કરવાની પણ નથી. અમારા કિન્નરોને ક્યારેય સાંકળથી બાંધવામાં આવતા નથી. માગવા જવાનું હોય જવાનું બાકી ઘરે બેસી ખાય પીને મજા કરવાની.

મિરાદે ઉર્ફે ફટકડી.

મિરાદે ઉર્ફે ફટકડી.

ગઇકાલે ચાંદનીએ પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું હતું
રાજકોટમાં ટ્રાન્સજેન્ડરને માર મારવાનો બીજો બનાવ સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળી મોરબી રોડ પર નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો છે. આ પહેલાં પણ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠોડ સાથે બન્યો હતો, આથી ગઇકાલે પાયલ રાઠોડ અને ચાંદની મકવાણા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા.

ટ્રાન્સજેન્ડર વુમન ચાંદની મકવાણાએ ગઇકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ટ્રાન્સજેન્ડર વુમન ચાંદની મકવાણાએ ગઇકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ચાંદની મકવાણાએ ગઇકાલે આક્ષેપો કર્યા હતા
ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાએ જણાવ્યું હતું કે, કિન્નરો તેની પાસેથી જબરદસ્તી બજારમાં પૈસા માગવા લઈ જતા હતા. તો સાથે જ કિન્નરો દ્વારા ચાંદનીને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. ઘરની બહાર કોઈ વસ્તુ લેવા પણ જવા માટે ચાંદની સાથે કાયમ એક કિન્નર રહેતા હતા. કિન્નરોનું એવું કહેવું હતું કે ચાંદની મકવાણા જે ટ્રાન્સજેન્ડર છે તે તેમની સાથે રહે અને કમાયને આપે, પરંતુ આ વાત જ્યારે ચાંદનીએ નકારી એને લઈને કિન્નરો દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. એને લઇને આજરોજ ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણા અને તેના પરિવારના લોકો તેમજ પાયલ રાઠોડે સાથે મળીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી હતી.

ચાંદનીની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ચાંદનીની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આમાં અમારા લોકોની સેફ્ટી શું?
ચાંદની મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, અવારનવાર મારી સાથે આવું કરવામાં આવે છે. અમારા લોકોને કિન્નરોએ કહ્યું હતું કે, મહિનામાં તમને ગોતીને મારી નાખીશું એવી ધમકી આપી હતી, આથી અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છીએ અને કહ્યું હતું કે આમાં અમારા લોકોની સેફ્ટી શું? અમારી એટલી જ માગ છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપો. માર માર્યાનો બનાવ શનિવારે બન્યો હતો. કિન્નરો મને એક સોસાયટીમાં લઇ ગયા અને મને ઢોર માર માર્યો હતો. માર માર્યા પછી મારો ફોન પણ લઇ લીધો હતો. 15થી 20 કિન્નરો હતા, જેમાં મુખ્ય રામનાથપરાની મીરાદે ઉર્ફે ફટકડી હતા.

ટ્રાન્સજેન્ડર વુમન પાયલ રાઠોડ.

ટ્રાન્સજેન્ડર વુમન પાયલ રાઠોડ.

4 મહિના પહેલાં પાયલ રાઠોડ સાથે ઘટના બની હતી
4 મહિના પહેલાં શહેરના ગોકુલધામ પાસેની ડાલીબાઇ આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતી ટ્રાન્સવુમન પાયલ રાઠોડનું અપહરણ કર્યા બાદ કિન્નરોએ તેનો વીડિયો ઉતારી વહેતો કર્યો હતો, આ મુદ્દે ચાલતા વિવાદમાં કિન્નરો ફરીથી ટ્રાન્સવુમનના ઘરે પહોંચ્યા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં કિન્નરોએ કપડાં ઉતારી સૂત્રોચ્ચાર કરતાં માહોલ તંગ થયો હતો. ડાલીબાઇ આવાસ ક્વાર્ટર્સમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના મેહુલ ઉર્ફે પાયલ રાઠોડ (ઉં.વ.21) ચાર દિવસ પહેલાં પોતાના ઘરે હતો ત્યારે રિક્ષાચાલક તેનું અપહરણ કરી ગયો હતો અને ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટલ નજીક લઇ ગયો હતો, ત્યાં અગાઉથી હાજર કિન્નરોએ પાયલ રાઠોડને મારકૂટ કરી તેનું ગુપ્તાંગ દર્શાવતો વીડિયો ઉતારી લીધો હતો અને વહેતો કર્યો હતો. એ સમયે પણ એ.ડિવિઝન પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો હતો, પરંતુ બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું.