વડોદરાની મધર્સ મિલ્ક બેંકમાં 10 મહિનામાં 2289 માતાએ 2.13 લાખ મિલિલિટર દૂધનું દાન કર્યું, 764 બાળકોને નવજીવન મળ્યું

0
275
  • ધાવણનું એકત્રિત કરેલુ દૂધ 5થી 6 મહિના સુધી -20 ડિગ્રી ઉપર ડીપ ફ્રિઝમાં સ્ટોર કરી શકાય છે
  • અધૂરા માસે જન્મેલા, ઓછુ વજન ધરાવતા અને બીમાર બાળકોને દૂધ આપવામાં આવે છે

વડોદરા આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે, ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલતી મધર્સ મિલ્ક બેંકમાં શરૂઆતના 10 મહિનામાં 2289 જેટલી માતાએ 2,13,800 મિલિલિટર માતાના દૂધનું દાન કર્યું છે, જેને પગલે તેનો 764 નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે.

બાળકને સ્તનપાનની પરંપરાની જાગૃતિ માટે સ્તનપાન સપ્તાહની ઉજવણી
વિશ્વભરના બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે દર વર્ષે 1થી 7 ઓગસ્ટ દરમિયાન 120થી વધારે દેશોમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો આશય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ અને 6 માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો છે, જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે અને બાળકનું જીવન બચાવવાની સાથે અમૂલ્ય એવું સ્વસ્થ જીવન ભેટ કરી શકાય. વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આવેલી મધર્સ મિલ્ક બેંકના પ્રણેતા ડો.શિલાબેન ઐયર જણાવે છે કે, શરૂઆતના મહિનામાં 3 લિટર દૂધનું દાન ધાત્રી માતાઓ પાસેથી મળ્યું હતું અને પ્રોત્સાહક પ્રતિસાદથી તેમાં આજે નોંધપાત્ર વધારો થયો છે.

માતાઓને પૂરતી સમજ આપ્યા બાદ સંમતિ મેળવીને દૂધ દાન તરીકે લેવાય છે
જે માતાઓને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યા પછી સારું બલ્કે વધારાનું ધાવણ આવતું હોય, એવી માતાઓ બેંકને વધારાના દૂધનું દાન કરે છે. જે-તે માતાને પૂરતી સમજ આપીને અને તેની સંમતિ મેળવીને જ વધારાનું દૂધ દાન તરીકે સ્વીકારવામાં આવે છે. દૂધ એકત્રિત કરવા એલેકટરિકેલ બ્રેસ્ટ-પમ્પનો ઉપયોગ કરવામાં આવે છે, જે દાતા માતા માટે એકદમ આરામદાયક હોય છે. સાધારણ રીતે ૩ માતાઓનું એકત્રિત દૂધ એક બોટલમાં ભેગુ કરવામાં આવે છે. આ રીતે ધાત્રી માતાઓએ દાન કરેલું ધાવણ મેળવનારા બાળકો માટે જીવાણુ મુક્ત અને આરોગ્યપ્રદ હોવાની ખાત્રી વિવિધ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. તમામ પ્રકારના ટેસ્ટ, કલ્ચરના રિપોર્ટ નેગેટિવ હોય એ દૂધ જ સલામત ગણાય છે.

ડો. શિલાબેન ઐયર સાથે મધર્સ મિલ્ક બેંકનો સ્ટાફ

માતાની તંદુરસ્તીની તપાસ કર્યાં બાદ જ દૂધ લેવામાં આવે છે
માતાઓ પાસેથી દૂધનું દાન સ્વીકારતા સમયે જે-તે માતાની તંદુરસ્તી,તાજેતરમાં માતાને લોહી ચઢાવવાની જરૂર પડી હતી કે કેમ? HIV ટેસ્ટ સહિતના તમામ નિર્ધારિત પ્રોટોકોલ પાળવામાં આવે છે. ધાવણનું એકત્રિત કરેલું દૂધ 5થી 6 મહિના સુધી -20 ડિગ્રી પર ડીપ ફ્રિઝમાં સ્ટોર કરી શકાય છે.

દૂધની ક્વોલિટી ચેક કર્યાં બાદ જ બાળકને દૂધ અપાય છે
તેવા બાળકોને દૂધ આપવાનું પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે જે બાળકો અધૂરા માસે જન્મેલા હોય, જેમનું વજન 1 કિલો 800 ગ્રામથી ઓછું હોય અને જે બાળક કોઈ બીમારીના કારણે ICUમાં ભરતી કરેલા હોય અને તેમની માતા હજી હોસ્પિટલના પહોંચી શક્યા હોય એવા બાળકોને આ દૂધ આપવામાં આવે છે. કોઈપણ બાળકને માતા મિલ્ક કેન્દ્રમાંથી દૂધ આપવાથી પેહલા તેનું ક્વોલિટી કંટ્રોલ ચેક કરવું ખુબ અગત્યનું બની જાય છે, તેના વગર બાળકને દૂધ આપવામાં આવતું નથી. દર મહિને માતા દૂધ કેન્દ્રનો માસિક રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવે છે.

કોરોનાને કારણે વીડિયો કોન્ફરન્સથી સ્તનપાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ
ડો. શીલા ઐયર કહે છે કે, દર વર્ષે આ સપ્તાહની ઉજવવણી ક્વિઝ, પોસ્ટર કોમ્પિટિશન અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી કરવામાં આવે છે. પણ આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા વીડિયો કોન્ફરન્સ કરીને યુવા સમુદાયમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવાની સાથે ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ જેવા આયોજનો કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here