જાફરાબાદ રેન્જમાં બકરી ઈદ પર મામાનાં ઘરે આવેલ 3 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો, સારવાર હેઠળ

0
340

બાળકને સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો

અમરેલી જિલ્લાના જાફરાબાદ રેન્જમાં દીપડાએ 3 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત અનુસાર જાફરાબાદના શેત્રુંજી પંથકમાં 3 વર્ષીય બાળક નાવિદ જાવીદભાઈ સોરઠિયા બકરી ઈદ પર મામાનાં ઘરે આવ્યો હતો. નાવિદ રમી રહ્યો હતો ત્યારે દીપડાએ અચાનક પાછળથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારે દીપડાના ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. હાલ તો નાવિદને સારવાર માટે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગીર સોમનાથના વીરપૂરમાં દીપડાએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો
થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વીરપુરમાં દીપડાએ વૃદ્ધ પર હુમલો કરતા વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વીરપુર ગામના 65 વર્ષીય કાંતિભાઈ સુરેજા વાડીએ કામ કરતા હતા. દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો અને દીપડાએ કાંતિભાઈને ફાડી ખાધા હતા. જેમાં કાંતિભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કાંતિભાઈ એક નિવૃત શિક્ષક હતા.

ગીર પંથકમાં અનેક વખત દીપડાના હુમલાની ઘટના બને છે
ગીર પંથકમાં અવાર નવાર દીપડા અને સિંહોના હુમલાની ઘટના બને છે. ઘણી વખત જંગલ વિસ્તારમાંથી સિંહો અને દીપડા ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં ચડી આવતા હોય છે. જેને લઈને આ પ્રકારના હુમલાની ઘટના બને છે. અવાર નવાર હુમલાની ઘટના બનતી હોવાથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.