સુરત જિલ્લામાં વેક્સિન લીધા વગર આરોગ્ય કર્મીઓ વગદારોને રસીનું પ્રમાણપત્ર આપતા હોવાનો ઘટસ્ફોટ

0
271

ફેક પ્રમાણપત્ર – આ સર્ટિફિકેટ આરોગ્ય કર્મીની ઓળખાણથી રસી લીધા વિના માત્ર રજિસ્ટ્રેશન કરાવી મેળવેલું છે. આ સર્ટિ.ને ફોટોશોપમાં એડિટ કરીને કોઇપણનું નામ લખી શકાય છે.

  • વેક્સિનેશનના બોગસ પ્રમાણપત્ર બનાવી તંત્રને ગુમરાહ કરવાનો કીમિયો શોધી કઢાયો
  • વેપાર-ધંધા અને પ્રવાસન માટે વેક્સિનનું સર્ટિ. જરૂરી હોઇ કેટલાક લોકો બીજાનું સર્ટિ. કોમ્પ્યૂટરમાં સ્કેન કરી પોતાનું નામ લખી લે છે

કોરોના મહામારી સામે રક્ષણ માટે સરકાર દ્વારા કોરોનાની રસી લેવા નાગરિકોને અપીલ કરાઇ રહી છે. ત્યારે સુરત જિલ્લામાં અમુક લોકો પોતાની ઓળખાણ અને ટેકનિકલ રીતે કોરોના સામેની રસી લીધા વિના આવા પ્રમાણ પત્રો મેળવી ખુલ્લેઆમ ફરી કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. ચોકાવનારી બાબત એ છે કે, વગદારો સીધા આરોગ્ય વિભાગના રસીકરણ કેન્દ્રો પરથી માત્ર રજિસ્ટ્રેશન કરાવી આવા પ્રમાણપત્રો મેળવતા હોવાની માહિતી મળી છે. ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રમાણપત્રોમાં કોઈ છેડછાડ ન થાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

સર્ટિ હોય તેને જ વેપાર-ધંધાની છૂટ આપવાનો વિચાર
સરકાર અને આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કોરોનાની સંભવિત ત્રીજી લહેર પર કાબૂ મેળવવા કોરોનાની રસી લોકોને વહેલી તકે અપાય અને સ્થાનિક તંત્ર દ્વારા સુપર સ્પ્રેડર ગણાતા લોકો જેવા કે વેપારીઓ, રોજિંદા મુસાફરી કરનારાઓ, સલૂન, બ્યુટીપાર્લર સંચાલકો જેવા લોકોને રસી લીધી હોવાનું પ્રમાણપત્ર હોય તો જ વેપાર ધંધા માટે છૂટ આપવાનું વિચારી રહ્યા છે.

સર્ટિમાં નામ એડિટ કરી છેડછાટ કરી
બીજી તરફ સમાજના અમુક વર્ગ દ્વારા આવા બોગસ પ્રમાણ પત્ર બનાવી લોકોને તેમજ તંત્રને ગુમરાહ કરવાનો કીમિયો શોધી કાઢવામાં આવ્યો છે. જેમાં રસી લીધેલા અન્ય વ્યક્તિના પ્રમાણ પત્ર મેળવી કોમ્પ્યુટરમાં સ્કેન કરી તેમાં પોતાનું નામ એડિટ કરી છેડછાડ કરી રસી લીધી હોવાનું સર્ટિ બનાવી દેવામાં આવે છે. એ જરૂર પડે ત્યાં આવા બોગસ પ્રમાણ પત્ર બતાવી ખરા તરીકે ઉપયોગ કરે છે. આરોગ્ય વિભાગમાંથી પણ પોતાની વગને આધારે સરળતાથી રસી લીધા વિના પ્રમાણપત્ર મેળવી લેતા હોવાથી તંત્ર દ્વારા હવે શું પગલાં લેવાય તે જોવું રહ્યું.

બોગસ પ્રમાણ પત્ર બતાવી લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિ સંક્રમિત હોય તો ચેપ ફેલાવાની શક્યતા વધુ
જાહેર પ્રવાસન સ્થળોએ ફરવા જવા માટે કોરોના રસી લીધી હોવાનું પ્રમાણપત્ર અથવા કોરોના rtpcr નેગેટિવ ટેસ્ટનું પ્રમાણ પત્ર બતાવવાનું હોય છે. આવા સંજોગોમાં ઓળખાણ અને કમ્પ્યૂટરની મદદથી બોગસ પ્રમાણ પત્ર બતાવી લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિ જો કોરોના સંક્રમિત હોય તો અન્યને સંક્રમણ ફેલાવી શકે છે માટે પ્રમાણ પત્રની યોગ્ય રીતે તપાસ થવી જરૂરી છે જેથી ખોટા પ્રમાણ પત્ર બાબતે જાણકારી મેળવી શકાય.

વાતની ગંભીરતાને ધ્યાને લઇ દરેક THOને તકેદારીની સૂચના અપાશે
જિલ્લામાં જો કોરોના રસીના બોગસ પ્રમાણ પત્ર બન્યા હોય તો એ બાબત અત્યંત ગંભીર કહેવાય અને જિલ્લાના દરેક ટી.એચ.ઑ ને આ બાબતે તકેદારી રાખવા સૂચન કરવામાં આવશે અને આ મુદ્દે યોગ્ય તપાસ કરવામાં આવશે. – ડી.એસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here