જાહેરનામાનો ભંગ કરી ભાવિકો દ્વારા રઝળતી મુકાયેલી 800 જેટલી દશામાની મૂર્તિઓનું દરિયામાં પુનઃવિસર્જન કરાયું

0
304
  • નહેર-ખાડીઓમાં રઝળતી મૂર્તિઓનું શ્રધ્ધાપૂર્વક પુનઃવિસર્જન
  • યુવાનોના ગ્રુપ દ્વારા રઝળતી મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરાયું

સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. છતાં પણ ડિંડોલી અને પુણા વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા દશામાના વ્રત બાદ તે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખાડી અને નહેરમાં લોકોએ રાતના અંધારામાં મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. જેથી મૂર્તિઓ અર્ધ વિસર્જીત થવાની સાથે અવદશામાં ત્યાં જ પડી રહી હતી. જેથી સાંસ્કૃતિક રક્ષા સમિતિના યુવાનો દ્વારા રઝળતી મૂર્તિઓનું ફરી હજીરાના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અંદાજે 800 જેટલી મૂર્તિઓને દરિયામાં શ્રધ્ધાભેર વિસર્જીત કરવામાં આવી હતી.

યુવકોના ગ્રુપે પુનઃવિસર્જન કર્યું
શહેરમાં કોરોના સંકટ વચ્ચે દશામાના વ્રત આ વખતે ઓછી સંખ્યામાં થયાં હતાં. 10 દિવસ સુધી ચાલતા આ વ્રત બાદ દશામાની મૂર્તિઓનું વિસર્જન જાહેરમાં ન કરીને ઘર આંગણે જ કરવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં ડિંડોલી અને પુણા વિસ્તારની કેનાલમાં અને ખાડી કાંઠે તથા તળાવમાં લોકોએ રાતના અંધારામાં વિસર્જન કર્યું હતું. જેથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે એ રીતે મૂર્તિ રઝળતી હાલતમાં મળી આવી હતી. જેથી સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીને શહેરની નહેર-ખાડીઓમાં રઝળતી દશામાની પ્રતિમાની જાણ થતાં તેઓએ તેમજ પાંડેસરાના બડા ગણેશ ગ્રુપ તેમજ ઉધનાના કાશી યુથ ગ્રુપ તેમજ બમરોલીના સાંઈ મિત્ર મંડળ ગ્રુપના યુવાનોએ સાથે મળીને ડીંડોલી-ખરવાસા નહેર અને પુણાગામ નહેરમાંથી રઝળતી હોય તેવી 800થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા દરિયા કિનારે પુનઃવિસર્જન કરી હતી.

3 વર્ષથી પુનઃવિસર્જન કરાય છે
શહેરમાં છેલ્લા 3 વર્ષથી યુવાનોના આ ગ્રુપ દ્વારા ધાર્મિક તહેવારો પછી રઝળતી મૂર્તિઓનું શ્રધ્ધાભેર પુનઃવિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગ્રુપના સ્વયંસેવકો વિસર્જનના દિવસો બાદ રઝળતી પ્રતિમાઓને ખાડીઓ અને નહેરમાંથી કાઢી તેની પૂજા અર્ચના કર્યા બાદ દરિયામાં પુનઃવિસર્જન કરે છે. વિસર્જન કરનારા સભ્યોનું કહેવું છે કે, જેની પૂજા અર્ચના કરી હોય તે મૂર્તિઓને આ રીતે રઝળતી મુકવી એ ધાર્મિક રીતે યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here