કલેકટરનું અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શન
લોકોને તાલુકા સુધી જવું ન પડે અને તે માટે સરકારની માર્ગદર્શિકા મુજબ ડિજિટલ સેવા ઉપલબ્ધ કરો
કર્મચારીઓના પે સ્કેલ, જી.પી.એફ, પેન્શન, ભથ્થા, સર્વિસ મેટર, પેન્ડિંગ ઇન્કવાયરી સહિત સ્થાનિક કક્ષાએ પેન્ડન્સી ઝીરો કરો
સંવેદનાપૂર્વક કામગીરી કરવાનું માર્ગદર્શન આપી કલેકટર કચેરીના દરેક કર્મચારી પાસે રહેલી કામગીરીની નોંધ લઇ મહેસુલી અને જનસેવાને વધુ ગતિશીલ બનાવવા તાકીદ કરતા કલેકટર
રાજકોટ, તા૦૩ જુલાઇ:- રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ આજે કલેકટર કચેરીની દરેક શાખા અધિકારીઓ અને અગત્યની કામગીરી સંભાળતા કર્મચારીઓની મિટિંગ લઈ દરેક કર્મચારી પાસે રહેલી કામગીરીની ઝીણવટભરી ચર્ચા કરી ઝીરો પેન્ડન્સી માટે રોડમેપ તૈયાર કર્યો હતો. કલેકટરએ કર્મચારીઓને જણાવ્યું હતું કે આપણે જન સેવા માટે સમર્પિત થઈએ.

ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને વધારે સરળતાથી કઈ રીતે સેવા આપી શકાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ ડિજિટલ સેવા સેતુનો વ્યાપ વધારીને આ કામગીરીને છેક છેવાડાના લોકો સુધી પહોંચાડવા અને છેવાડાના ગામોના લોકોને કચેરીઓ સુધી આવવુ ન પડે તે માટે કામગીરીને ગતિશીલ બનાવી માત્ર વહીવટી કારણોસર કોઈ પણ કેસમાં વિલંબ ન થવો જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. કર્મચારીઓના પે સ્કેલ, જી.પી.એફ, પેન્શન, ભથ્થા, સર્વિસ મેટર, પેન્ડિંગ ઇન્કવાયરી સહિત સ્થાનિક કક્ષાએ પેન્ડન્સી ઝીરો કરવા સહિતનું માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરએ જનસેવા, જમીન શાખા, મહેકમ, જનરલ, પુરવઠા, હિસાબ, રજીસ્ટ્રી, મેજીસ્ટ્રીયલ, નાની બચત,બિનખેતી તેમજ કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓના મામલતદાર તેમજ નાયબ મામલતદારો પાસે કામગીરી અને હાથ ધરવાની થતી બાબતો અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં અધિક કલેક્ટર પરિમલ પંડ્યાની બદલી થઈ હોય તેમને શુભેચ્છા આપી તેમની ત્રણ વર્ષની સેવાની પણ સરાહના કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેર અને જિલ્લાના પ્રાંત અધિકારીઓ સાથે પણ બેઠક કરી તાલુકા અને પ્રાંત કક્ષાએ કામગીરીને ગતિશીલ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.