સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મુદ્દે વિવાદમાં આવેલી સુનિતા યાદવે નિયમોના ધજાગરા ઉડાવતો વીડિયો વાઈરલ કર્યો

0
629
  • સુનિતા યાદવે મોર્નિંગ વોકમાં વીડિયો બનાવતી વેળા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો
  • વીડિયો ઉતારવામાં મશગૂલ બની ગયેલી સુનિતા યાદવે જાતે જ માસ્ક હટાવી દીધું

સુરત આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રને કાયદાના પાઠ ભણાવવાથી વિવાદમાં સપડાયેલી સુનિતા યાદવ ફરી વિવાદમાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાવતી સુનિતા યાદવ પોતાના જ વીડિયોમાં કેદ થઈ છે. મોર્નિંગ વોક પર નીકળેલી સુનિતા યાદવ પોતે જ જાણે નિયમો ભૂલી ગઈ હોય તેવું સામે આવ્યું છે.સુનિતા સેલ્ફી લેતી અને ઈન્ટર્વ્યૂ વખતે અંતર જાળવવાનું તો છોડો માસ્ક પણ ચહેરા પરથી હટાવી દીધેલી હાલતમાં જોવા મળી રહી રહી છે. જેથી સોશિયલ મીડિયામાં સિંઘમ બનેલી સુનિતા પર સવાલોનો મારો ચાલુ થયો છે.

અન્ય કોરોના વોરિયરની મજાક ઉડાવી
સુનિતા યાદવે મોર્નિંગ વોક દરમિયાન ઉકાળાનું વિતરણ કરતાં રતિભાઈ જેસાભાઈ પટોળીયાનું ઈન્ટર્વ્યૂ કર્યું હતું. સુનિતાએ રતિભાઈની સેવાને બિરદાવી હતી. છેલ્લા એક દોઢ મહિનાથી સેવા કરતાં રતિભાઈની સેવાને અન્ય લોકોએ પણ બિરદાવી હતી. સાથે જ જણાવ્યું હતું કે, આ જ અસલ કોવિડ વોરિયર છે. બીજા લોકો જે સર્ટીફિકેટ લઈને ફરે છે તે ખોટા છે તેમ કહીને તેમની મજાક ઉડાવી હતી.

નિયમ તોડ્યા બાદ અચાનક યાદ આવ્યું
સુનિતાએ લોકો સાથે સેલ્ફી લીધી અને વીડિયો કર્યા બાદ તેને અચાનક નિયમો યાદ આવ્યા હોય તેમ વીડિયોને પુરો કરતાં કહ્યું કે, તમે લોકો થોડા દૂર ઉભા રહો. પછી પોતે ચહેરા પર માસ્ક બાંધતા કહ્યું કે, આપણો તો નિયમ જ છે કે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું. જો કે, નિયમો અંગેની વાત સુનિતાને વીડિયો બનાવતી વખતે યાદ ન રહી હોવાનું પણ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

નિયમ ભંગ બદલ સુનિતા પર તપાસ ચાલે છે
મંત્રી પુત્રને અડધી રાતે કાયદાનું ભાન કરાવવાથી વિવાદમાં આવેલી સુનિતા યાદવ હાલ ખુદ વિવાદમાં વધુ સપડાઈ રહી છે. નિયમોનો લોકો પાસે આગ્રહ રખાવતી LR(લોકરક્ષક)સુનિતા યાદવ પર લોકોને ગાળો ભાંડવાથી લઈને ઉઠકબેઠક કરાવવી અને કહ્યા વગર ડ્યુટી પર ન આવવા સહિતની ત્રણેક મુદ્દે પોલીસ દ્વારા ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here