સુરત સ્મીમેર હોસ્પિટલમાં કામ કરતાં દંપતીએ 15 દિવસમાં કોરોનાને મ્હાત આપી ફરી ફરજ પર જોડાયા

0
363
  • દર્દીઓની સેવા કરતાં સ્મીમેરના કોરોના વોરિયર દંપતી દર્દી બની ગયા હતા
  • પતિ રેડિયોગ્રાફી ટેક્નિશિયન અને પત્ની હેડ નર્સ તરીકે ફરજ પર હાજર થયા

સુરત કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં કોરોના વોરિયર એવાં ટેલર દંપતી દર્દીઓની સેવા કરતાં કરતાં ખુદ દર્દી બની ગયા હતાં.સ્મીમેર હોસ્પિટલની ફરજ દરમિયાન ટેલર દંપતી એકસાથે કોરોનાગ્રસ્ત બન્યા તેના 15 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને એક સાથે ફરજ પર પણ જોડાઈ ગયાં છે.દંપતીમાં વિકાસ ટેલર સ્મીમેર હોસ્પિટલમાં રેડિયોગ્રાફી ટેક્નિશીયન વિકાસ ટેલર અને આ જ હોસ્પિટલમાં તેમની સાથે સ્મીમેરમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતાં તેમના ધર્મપત્ની રેખા વિકાસ ટેલર છે.

કોરોનામુક્ત થઈ ફરી ફરજ પર હાજર થયા
મૂળ નવસારીના વતની અને હાલ રાંદેરના ઊગત રોડ વિસ્તારમાં રહેતા આ દંપતી 7 જુલાઈના રોજ કોરોનાગ્રસ્ત બન્યાં અને 15 દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તા.24 જુલાઈના રોજ દર્દીઓની સેવા માટે ફરજ પર એક સાથે જ હાજર થઈ ગયા હતાં.

સાથે માંદા થયાને સાથે જ સાજા થયા
સ્મીમેરના 54 વર્ષીય રેડિયોગ્રાફી ટેક્નિશિયન વિકાસભાઈ ટેલરે જણાવ્યું હતું કે, મને અને મારા ધર્મપત્નીને એક સાથે જ કોરોના લક્ષણ જણાયા હતાં, જેથી કોરોના ટેસ્ટ કરાવતા બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને એક સાથે સ્મીમેરના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમને સ્મીમેરના સાથી ડોક્ટરોએ કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા આપી હતી. ઉપરાંત સ્મીમેરમાં ફરજ દરમિયાન સતત કોરોનાના દર્દીઓ તેમના સગા વ્હાલાંની સેવા મદદના કારણે માનસિક રીતે મનોબળ પણ મજબૂત બન્યું હતું. 15દિવસ સારવાર લીધા બાદ 21 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ઘરે પરત ફર્યા હતા, જ્યાં બે દિવસ આઈસોલેશનમાં રહી અમે પતિપત્ની 24 મી જુલાઈના રોજ એક સાથે ફરજ પર હાજર થયાં હતાં.

ઘરમાં વયસ્કો હોવાથી હોસ્પિટલમાં સારવાર લીધી
કોવિડ દર્દીઓની સારવાર કરતાં 52 વર્ષીય હેડ નર્સ રેખાબેન ટેલરે જણાવ્યું કે, હું સ્મીમેર હોસ્પિટલમાં કોરોના મહામારીની શરૂઆતથી જ કોવિડ-19 વોર્ડમાં ફરજ નિભાવું છું. કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા અને સારવાર દરમિયાન અચાનક 7 જુલાઈના રોજ મને કોરોનાના પ્રાથમિક લક્ષણો જોવાં મળ્યાં હતાં, સ્મીમેરમાં જ અમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અમારી પાસે ઘરે રહીને પણ સારવાર લેવાનો વિકલ્પ હતો, પરંતુ ઘરે મારા વયસ્ક સાસુ તેમજ ઘરના અન્ય સભ્યોને પણ કોરોનાનું ઇન્ફેકશન લાગવાનો ભય હતો, જેથી સ્મીમેરમાં 15 દિવસ સારવાર મેળવી હતી. મારો પુત્ર પણ કોવિડ વોર્ડમાં સ્મીમેર હોસ્પિટલમા મેલ નર્સ તરીકે ફરજ બજાવી રહ્યો છે. સારવાર લઈ સ્વસ્થ બન્યા બાદ અમે ફરી એક વાર દર્દીઓની સેવામાં લાગી જઈશું એવો નિર્ધાર કર્યો હતો. કારણ કે દર્દીની સેવા કરવી એ જ અમારૂં કામ અને નૈતિક કર્તવ્ય પણ છે.

એલોપેથી સાથે આયુર્વેદિક પધ્ધતિથી સાજા થયા
સ્મીમેરની સારવારમાં એલોપથી દવાઓની સાથે આપણી આયુર્વેદિક ઔષધીય પદાર્થો, ઉકાળાનું પણ સેવન શરૂ કર્યું હતું. ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફના સતત મોનિટરીંગના પરિણામે ક્રમશ: સ્વાસ્થ્યમાં સુધારો થયો અને આજે અમે પતિ પત્ની ફરીથી સ્મીમેરમાં ફરજ નિભાવી રહ્યાં છીએ એમ ટેલર દંપતિએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here