સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા આયોગના સભ્ય એ આપી ખાત્રી અધિકારીઓ- સભ્યો સાથે અંજનાબેને કર્યો વિચાર વિમર્શ
જામનગર સફાઇ કર્મચારીઓના ઉત્કર્ષ હેતુ સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પવારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સભ્ય એ સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. સફાઈ કર્મચારી આયોગના અધિકારીઓ અને સભ્યો સાથેની બેઠકમાં અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વિગતવાર સાંભળ્યા હતા, અને છેવાડાના નાગરિકોનું ઉત્થાન કરવા તથા તેમને પાયાની જરૂરીયાતો પુરી પાડવા માટેના વડાપ્રધાન ના પ્રયત્નોની સરાહના કરી હતી.

સફાઈ કર્મચારીઓને ગણવેશ તથા સફાઈ સંદર્ભના જરૂરી સાધનો પુરા પાડવા, લઘુત્તમ વેતન આપવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરવા, ઓન ડ્યુટી કર્મચારીના મૃત્યુ બાદ પરિવારજનને વારસાઇ વગેરે બાબતો અંગેની સફાઈ કર્મીઓની રજૂઆતો અંજનાબેને પૂરી સહ્રદયતાથી સાંભળી હતી તેમણે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ તથા અધિકારીઓ એકબીજાના પૂરક છે, તેઓએ પરસ્પર સંતુલન સાધીને કામગીરી કરવી જોઈએ. જિલ્લા કલેકટર સૌરભ પારધીએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારને આ મિટિંગમાં આવકાર્યા હતા. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક ચાવડા, નાયબ મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઇ, સફાઇ કર્મચારી આયોગના અધિકારીઓ તથા વિવિધ યુનિયનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- સાગર સંઘાણી, જામનગર