હવે રસ્તા પરના સીસીટીવી કેમેરામાં આરોપી જોવા મળશે તો પોલીસ કંટ્રોલ રૂમના સ્ક્રીનમાં બ્લિન્ક થશે

0
316

રાજ્યમાં પ્રથમ વડોદરામાં AI ફેશિયલ રેકગ્નાઈઝ સોફ્ટવેરનો સફળ પ્રયોગ

વડોદરા રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં એઆઈ ફેશિયલ રેક્ગનાઈઝ સોફ્ટવેરના ઉપયોગનું સફલ ટ્રાયલ શનિવારે શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે આગામી 1 વર્ષમાં આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને સીસીટીવી હેઠળ ગુનેગારો પર ખાસ નજર રાખી તેમને ઝડપી લેવામાં આવશે. જ્યારે આ પાઈલટ પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં નવા 1300 જેટલા સીસીટીવી કેમેરા પણ લાગશે.

તમામ આરોપીઓના ફોટા સાથેના ડેટા અપલોડ કરવામાં આવશે
ડીસીપી સંદિપ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ગૃહમંત્રાલય અને ડી.જી ઓફિસ તરફથી વડોદરાની એઆઈ-ફેશિયલ રેકગ્નાઇઝ સોફ્ટવેરના ઉપયોગ માટે પ્રથમ પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા કંટ્રોલ રૂમમાં આવેલા કોમ્પ્યૂટરમાં આ ફેશિયલ રેકગ્નાઇઝ સોફ્ટવેરને અપલોડ કરવામાં આવશે. જેમાં તમામ આરોપીઓના ફોટા સાથેના ડેટા અપલોડ કરવામાં આવશે. આ સોફ્ટવેર ઈ-ગુજકોપ સાથે કનેક્ટ હશે.ઉદાહરણ રૂપે જણાવ્યું કે, શહેરના રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ સ્ટ્રીમ હશે તો તેની સાથે આ સોફ્ટવેર કનેક્ટ કરતા આ કેમેરામાં આરોપી જોવા મળ્યો તો,પોલીસ કંટ્રોલ રૂમના સ્ક્રીનમાં બ્લિન્ક થવાનું ચાલુ થશે.જેનાથી ગુનેગારોની મૂવમેન્ટ પર પોલીસ બાજ નજર રાખી શકશે.

શહેરમાં હાલ 650 સીસીટીવી કેમેરા લાગેલા છેે
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સોફ્ટવેર મારફતે પોલીસ ખાસ કરીને ગંભીર ગુનામાં ફરાર આરોપી તેમજ ચિલઝડપ જેવા કિસ્સામાં આરોપીઓને ઝડપથી શોધી શકશે.જ્યારે આરોપીઓના ડેટા એક વખત સોફ્ટવેરમાં નાખી દીધા બાદ પોલીસ ચોક્કસ સ્થળે તેનો ઉપયોગ કરશે.જ્યાં મોટાભાગના ગુના બનતા હોય છે. આ ઉપરાંત મીસિંગ વ્યક્તિઓને પણ આ સોફ્ટવેર ની મદદથી શોધી શકાશે. જ્યારે વડોદરામાં સફળ પ્રયોગ થયા બાદ હવે ઝડપથી આ સોફ્ટવેર નો ઉપયોગ શરૂ કરાશે.પોલીસ મુખ્યત્વે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ખાતે આનો ઉપયોગ શરૂ કરાશે.ઉલ્લેખનિય છે કે,સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ પોલીસે શહેરમાં નવા 407 સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરતાં કુલ સંખ્યા 650 થઇ છે.