મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે “બાળ સેવા સહાય યોજનાનું ઓનલાઇન લોન્ચિંગ કરાયું

0
304

કોરોનામાં મા-બાપનું છત્ર ગુમાવનાર બાળકોને આર્થિક સહાય કરવાનો રાજ્ય સરકારનો સ્તુત્ય અભિગમ

કોરોનામાં માબાપનો આશરો ગુમાવનારરાજકોટ જિલ્લાના ૫૮ બાળકોને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”ના તથા ચાર દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભો વિતરિત કરાયા

રાજકોટ તારીખ ૭ જુલાઈ-મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારીમાં માબાપનો આશરો ગુમાવનાર રાજ્યના ૭૭૬ બાળકોને પ્રતિમાસ રૂ. ૪૦૦૦ ની આર્થિક સહાય આપવાની “બાળ સેવા યોજના”નો ઓનલાઈન શુભારંભ કરાવ્યો હતો. બાળ સેવા સહાય યોજનાના લોન્ચિંગ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે રાજકોટ ખાતે પણ આ કાર્યક્રમ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો. કલેકટર અરુણ મહેશ બાબુએ આ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોના લાભાર્થે રાજ્ય સરકારે આ યોજના જાહેર કરી છે જે અન્વયે માતા-પિતાનું છત્ર ગુમાવનાર બાળકના ખાતામાં દર મહિને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦૦૦ જમા કરવામાં આવશે. રાજ્ય સરકારે આદરેલુ આ પુણ્યનું કામ વધુને વધુ લોકો સુધી પહોંચે અને પાત્રતા ધરાવનાર નાગરિકો આ યોજનાનો લાભ મેળવે, તે જોવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી દ્વારા આજે આરંભાયેલ બાળ સેવા સહાય યોજના અંતર્ગત ૧૮ વર્ષ સુધીના જે બાળકોએ તેમના માતા-પિતા કોરોના ને લીધે ગુમાવ્યા છે તેવા ૫૮ બાળકોને આજે મહાનુભાવોના હસ્તે આ યોજનાની પાસબુક તથા શૈક્ષણિક કીટ એનાયત કરાઇ હતી. દાતા હરેશભાઈ વોરાએ કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર દસ વર્ષથી નાની ઉંમરની ચાર દિકરીઓને “સુકન્યા સમૃદ્ધિ યોજના” અંતર્ગત બેંકમાં ખાતું ખોલાવી દરેકના ખાતામાં રૂપિયા ૧૦,૦૦૦ જમા કરાવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો. પ્રદીપ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુ બેન વ્યાસ, જિલ્લા શિક્ષણાધિકારી કૈલા, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિયેશનના પ્રમુખ ડી.વી મહેતા, સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ, લાભાર્થી બાળકોના પાલક માતા-પિતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.