જામનગર : નાવરણા ગામનો વિશિષ્ટ વન મહોત્સવ ખુલ્લા મેદાનમાં તેમજ પડતર જમીનમાં વાવી તેનું જતન કરવાનો ગ્રામજનોનો સંકલ્પ

0
372

જામનગર નાવરણા ગામનો વિશિષ્ટ વન મહોત્સવ. 1500થી વધુ વૃક્ષો રસ્તાની બંને બાજુ, ખુલ્લા મેદાનમાં તેમજ પડતર જમીનમાં વાવી તેનું જતન કરવાનો ગ્રામજનોનો સંકલ્પ. ખોબા જેવડાં ગામનું દરિયા જેવડું દીલઃ વૃક્ષારોપણ માટે 15 લાખનું ભંડોળ એકત્ર કર્યું. વૃક્ષારોપણમાં નાના બાળકોને જોડી એક-એક વૃક્ષનું મહત્વ સમજાવી આવનારી પેઢી પણ વૃક્ષનું મહત્વ સમજે તેની કાળજી લેવાઈ

મનુષ્યના જીવનમાં વૃક્ષનું સ્થાન અત્યંત મહત્વનું છે. પારણાથી લઇ ચિતાના લાકડા સુધી અને બાળકના રમકડાંથી લઈ દાદાની લાકડી સુધી માનવ જીવનમાં સદાય વૃક્ષોની આગવી જરૂરિયાત રહી છે. ભારતીય સંસ્કૃતી વૃક્ષોનાં પારણામાં જ ઉછેરી છે એમ કહીએ તો પણ ખોટું નથી. વૃક્ષોને પૂજતા આપણે ભારતીયો પ્રકૃતિ પ્રત્યે અનેરો લગાવ ધરાવીએ છીએ. આ લગાવને જામનગરના ખોબા જેવડા એક ગામે યથાર્થ સાબિત કરી બતાવ્યો છે. વરણા ગ્રામજનોને વૃક્ષો પ્રત્યે એવી તો લગની લાગી કે તેઓએ સ્વયંભૂ જ પચીસ-પચાસ નહિ પરંતુ એક હજાર વૃક્ષો વાવી પ્રકૃતિ માતાના ચરણોમાં પોતાનો ભાવ અર્પણ કર્યો છે.  વાત છે જામનગર જિલ્લાના માત્ર બારસો લોકોની વસ્તી ધરાવતા વરણા ગામની. અહીં મુખ્યત્વે ખેતી કામ કરતા અને નજીકના મોટા શહેરોમાં જઈ વસેલા ગ્રામજનોની એક બેઠક મળી અને સર્વાનુમતે સમગ્ર દેશમાં ક્યાંય પણ ન થયું હોય એવું વૃક્ષારોપણનું અદકેરું આયોજન કરવાની નેમ લેવાઈ.આ વિશાળ વન મહોત્સવ માટે ગ્રામજનોએ સ્વયંભુ જ ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું અને ગ્રામજનોનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ તેમજ દરિયાદિલીના કારણે આ ભંડોળ જોતજોતામાં રૂપિયા પંદર લાખને આંબી ગયું. જેમાંથી સાડા સાત લાખના વૃક્ષો અને પાંજરાની ખરીદી કરાઈ અને રૂપિયા ત્રણ લાખના ટ્રેક્ટરની ખરીદી કરી વૃક્ષો ઉછરીને મોટા ન થઈ જાય ત્યાં સુધી પાણી પાવાની અલાયદી વ્યવસ્થા ઊભી કરાઇ. ત્યાર બાદ ગ્રામજનોએ જાતે જ પરસેવો પાડી ગામની આજુબાજુના ખુલ્લા મેદાનો, પડતર જમીન તેમજ રોડના બંને કાંઠા પરના જાડી જાખરાં તેમજ બાવળો દૂર કરી જમીનને સમતલ કરી ત્યાં મબલખ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું.અને આ લખાય છે ત્યારે વરણા ગામમાં એક હજાર વૃક્ષનું વાવેતર થઈ ચૂકયું છે અને હજુ બીજા પાંચસો વૃક્ષો રોપાઈ રહ્યા  છે.વૃક્ષારોપણના આ અદકેરા આયોજનમાં ગામના નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો સાથે સાથે નાનાં બાળકોમાં વૃક્ષારોપણનું મહત્વ સમજાય તે માટે દરેક બાળકને એક- એક વૃક્ષથી પરિચિત કરાવી આવનારી પેઢી પણ વૃક્ષનું મહત્વ સમજે તેની દરકાર લેવાઈ.રૂબરૂ વાતચીત દરમિયાન વરણાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમે ત્રણ વર્ષનું આગોતરું આયોજન કરી એક ટીમ બની આ વર્ષે પંદરસો વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો જેના માટે ટ્રેક્ટર, જે.સી.બી., પાણી વગેરેની વ્યવસ્થા ઊભી કરી અને ગામના ખરાબાની જગ્યા ચોખ્ખી કરી અહીં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું હતું. જેના પરિણામે આજે ગામની ચારે બાજુ એક હજાર જેટલા વૃક્ષો અમે વાવી ચૂક્યા છીએ. ત્યારે તમામ ગામો જો આ પ્રકારના વૃક્ષારોપણનું આયોજન હાથ ધરે તો ચોક્કસપણે પર્યાવરણમાં ખૂબ જ હકારાત્મક પરિવર્તન આવી શકે છે.વરણા ગામની જેમ જ દેશના દરેક ગામો જો આ રીતે વૃક્ષોના મહત્વને સમજશે અને વધુમાં વધુ વૃક્ષોનું જતન કરતા થશે તો દેશમાંથી પ્રદૂષણ, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ વગેરે જેવી અનેક સમસ્યાઓનો કાયમી ધોરણે અંત આવશે અને ગામો ફરી નંદનવન બનશે એ બાબત નિશ્ચિત છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here