પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મીટીંગ યોજાઇ

0
301

રાજકોટ જિલ્લાના આયોજન હેઠળના રૂ.૧૪૯૨ લાખના ૫૦૫ કામો મંજૂર: પ્રગતિ હેઠળના પાછલા વર્ષના કામો ૩૧મી જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તાલુકા કક્ષાએ ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપતા શિક્ષણ અને પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લાના આયોજન હેઠળના ચાલુ વર્ષના ૧૪૯૨ લાખના ૫૦૫ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટ જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામો નોંધપાત્ર રીતે કરવામાં આવ્યા છે તે અંગે સમગ્ર જિલ્લાની ટીમને અભિનંદન આપી કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે પણ સાવચેત રહીને તાલુકા કક્ષાએ જન પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી કામો તેમજ આયોજન હેઠળની અન્ય જોગવાઈઓ મુજબ ઓક્સિજન અને જરૂરી વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે કામગીરી પુર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

નવા વર્ષના આયોજન હેઠળના મંજૂર કરાયેલા કામોમાં ગ્રામ્ય અને શહેરી વિકાસના કામો તેમજ આરોગ્યને લગતા સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટરમાં ઘટતી સુવિધાઓ, શિક્ષણ અને આંગણવાડીના ઓરડા બનાવવા, પીવાના પાણીની વ્યવસ્થા રસ્તા, પેવર બ્લોક, કોઝવે જેવા અન્ય વિકાસના કામો માટે મંજૂરી આપવામાં આવી હતી.

મંત્રીએ કામોનું આયોજન હાથ ધરતી રાજ્ય સરકારની માર્ગદર્શક સુચનાઓની પણ અમલવારી થાય તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓને વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦ ના કામો ૩૧મી જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. રાજકોટના જિલ્લા આયોજન અધિકારી એન.જી. ટોપરાણીએ તાલુકા પંચાયત સ્તરે અને નગરપાલિકા કક્ષાએ આયોજનમાં લેવાયેલા કામોની માહિતી આપી હતી.

આ મિટિંગમાં તાલુકા કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન જોડાયા હતા. જ્યારે બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, અધિક કલેકટર કેતન ઠક્કર, સામાન્ય વહીવટ વિભાગના અધિકારી એચ.ડી. શુક્લા તેમજ સંબંધિત વિભાગ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.