દરેડ ગામમાં 7 ફૂટ લાંબા અજગરે સસલાનો શિકાર કર્યો, પચાવી ન શકતા બહાર કાઢ્યું, વન વિભાગે રેસ્કયૂ કરી પકડ્યો

0
312

અજગર આવી ચડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

બાબરાના દરેડ ગામે ગઈકાલે શનિવારે રાત્રે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો. અજગરે એક સસલાનો શિકાર કરી ગળી ગયો હતો. પરંતુ સસલાને પચાવી ન શકતા બહાર કાઢ્યું હતું. આ અંગેની જાણ થતા જ લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ અજગરનો વીડિયો મોબાઈલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ આ મહાકાય અજગરને પકડવામાં વન વિભાગની ટીમને સફળતા મળી હતી.

ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો
મોડીરાત્રે મહાકાય અજગર આવી ચડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ વન વિભાગે અજગર પકડી એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોના કહેવા મુજબ અમે પહેલીવાર આવડો મોટો અજગર જોયો હતો. આથી ગામમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડીરાત્રે અજગર આવી ચડતા ગામમાં ઘરમાં ખુલ્લામાં ઓસરી અને ફળિયામાં સૂતા લોકોને પણ ઘરની અંદર સૂવાનો વારો આવ્યો હતો.

થોડા સમય પહેલા કોડીનારમાં મગર આવી ચડ્યો હતો
થોડા દિવસ પહેલા કોડીનારનાં વિરાટનગર વિસ્તારમાં મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જો કે વનવિભાગને જાણ કરતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મગરનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરી પાંજરે પુરવામાં આવી હતી. મગર પાંજરામાં પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here