વિદેશમાં વસતા ભાઈઓને સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા બહેનોએ રૂ.1500 સુધી ખર્ચ કરવો પડ્યો

0
310

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ હોવાથી સાદી ટપાલમાં ઓછા ખર્ચે રાખડી ન મોકલી શકાઈ

અમદાવાદથી દર વર્ષે વિશ્વના 20થી 22 દેશોમાં સાદી ટપાલથી કે સ્પીડ પોસ્ટથી 6 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવી રાખડી મોકલવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ હોવાથી સાદી ટપાલ દ્વારા વિશ્વભરમાં રાખડી મોકલી શકાઈ નથી. જેના કારણે ભારત બહાર રાખડી મોકલવા માટે બહેનોને ફરજિયાત સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલવી પડી છે. જેના માટે 800 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો ચાર્જ પણ ચૂકવવો પડ્યો છે.

પોસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે ભારત સહિત વિશ્વ કોરોના મહામારીથી ઘેરાયેલું છે. આ મહામારીથી બચવાની હાલમાં કોઈ દવા શોધાઈ નથી ત્યારે તેનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે. આ સ્થિતિમાં રક્ષાબંધન પ્રસંગે અનેક બહેનોએ દૂર રહેતા ભાઈઓના ઘરે રાખડી બાંધવાનું પણ માંડી વાળ્યું છે. જેના કારણે અમદાવાદ નજીકના જિલ્લાઓમાં પણ અનેક બહેનોએ રાખડી પોસ્ટ દ્વારા મોકલાવી છે. તેમાં પણ પોસ્ટ વિભાગે કવર પર 5 રૂપિયાથી લઈ 41 રૂપિયા સુધીની ટિકિટ લગાડી ગુજરાત સહિત દેશભરમાં સાદી તેમજ સ્પીડ પોસ્ટ દ્વારા રાખડીઓ મોકલવાની વ્યવસ્થા કરી છે. કોરોનાને લીધે કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ કુરિયર સેવા પણ હાલમાં બંધ છે.

પોસ્ટથી રાખડીના પ્રમાણમાં 30 ટકા વધારો
ઘણી બહેનોએ આ વર્ષે ભાઈઓને તેમના ઘરે જઈ રાખડી બાંધવાના બદલે પોસ્ટથી મોકલતા ગત વર્ષની સરખામણીએ પોસ્ટલ રાખડીમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસોમાં દરરોજ સરેરાશ 800થી 1000 લોકો સાદી તેમજ સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલી રહ્યા છે. જ્યારે ગત વર્ષે આ સંખ્યા 500થી 700 લોકોની હતી. આ ઉપરાંત મોબાઈલથી વર્ચ્યુઅલ રાખડી મોકલવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે આ ટ્રેન્ડમાં ઉછાળો આવ્યો છે.

રાખડીની ડિલિવરી માટે આજે પોસ્ટ ચાલુ રહેશે
સોમવારે રક્ષાબંધન પહેલા પોસ્ટ કરાયેલી રાખડીઓ ભાઈઓ સુધી પહોંચી જાય તે માટે પોસ્ટ વિભાગ દ્વારા રવિવારે પણ પોસ્ટ ઓફિસો ચાલુ રાખવાની જાહેરાત કરી છે. જેમાં સવારથી તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાં આવેલી રાખડીઓની ડિલિવરી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here