કાંખમાં માસૂમ, આંખમાં આંસુ, ઘરવખરી રસ્તામાં, મહિલાએ કહ્યું- બધું પડી ગયું, રસોઈ ક્યાં બનાવવી, બાળકો ભૂખ્યાં થશે તો શું ખવડાવીશું

0
367

આ માસૂમને અમે ક્યાં લઈ જઈશું.

  • ચોમાસામાં માનવતા નેવે મૂકી કોર્પોરેશને ગરીબોનાં મકાન પર બુલડોઝર ફેરવી દેતાં મહિલાઓમાં આક્રંદ
  • રાજકોટના વોર્ડ નંબર 13માં ખોડિયારનગરમાં ટીપી રોડને લઈ 80 મકાન પર બુલડોઝર ફરી વળ્યું

રાજકોટના વોર્ડ નંબર 13માં ખોડિયારનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં 80 મકાન પર બુલડોઝર ફરી વળતાં 120 પરિવાર રસ્તા પર આવી ગયા છે. આ સમય દરમિયાન હૃદયદ્રાવક દૃશ્યો Divya Bhaskarના કેમેરામાં કેદ થયાં છે, જેમાં એક મહિલાના કાંખમાં માસૂમ બાળક રડી રહ્યું હતું અને માતા પોતાના ઘરને નજર સામે પડતું જોઈ રહી હતી. 120 પરિવારની ઘરવખરી રસ્તા પર પલળતી જોવા મળી હતી. એક માતાએ ચોધાર આંસુ સાથે રડતાં રડતાં જણાવ્યું હતું કે બધું પડી ગયું, રસોઈ ક્યાં બનાવવી, નેતાઓ મત માગવા આવે છે પણ ઘર પડે તો ડોકાતા પણ નથી. બાળકો ભૂખ્યાં થશે તો શું ખવડાવીશું.

મનપાએ માનવતા નેવે મૂકી ચોમાસામાં ડિમોલિશન કર્યું
એક તરફ, રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે તો બીજી તરફ થોડી પણ માનવતા નેવે મૂકી કોર્પોરેશન તંત્ર ગરીબોનાં મકાન પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું હતું. જોકે સ્થાનિકોના મુજબ માત્ર ત્રણ દિવસની ટૂંકી નોટિસમાં જ કાર્યવાહી કરવામાં આવી છે. એક તરફ, ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ, લોકોનાં ઘર પડી રહ્યાં છે. તમામ સામાન રસ્તા વચ્ચે શેરીમાં મૂકવામાં આવ્યો છે, જે પલળી રહ્યો છે. રડતી આંખે માતાની વેદના હતી અને કાંખમાં બાળક સાથે આંખમાં આંસુ જોવા મળ્યાં હતાં.

મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી.

મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી.

બાળકો ભૂખ્યાં થાય તો તેને શું ખવડાવીશું: સ્થાનિક મહિલા
સ્થાનિક મહિલાઓએ રડતાં રડતાં જણાવ્યું હતું કે મત માગવા ટાણે નેતાઓ આવે છે, પરંતુ આવી તકલીફ હોય ત્યારે પૂછવા પણ નથી આવતા કે તમે શું કરશો. હાલ વરસાદમાં તમામ સામાન પલળી ગયો છે. અમે ક્યાં જઇએ, આજે કંઈ રીતે રસોઈ બનાવવી એ કંઈ સમજ પડતી નથી. નાનાં બાળકો ભૂખ્યાં થાય તો તેને શું ખવડાવીશું એની ચિંતા પણ કોરી ખાય છે. ચોમાસામાં ડિમોલિશન કરવામાં આવ્યું હોવાથી ઉપર આભ અને નીચે ધરતી જેવી અમારી સ્થિતિ થઇ ગઇ છે. વર્ષોની કમાણી અમે ગુમાવી દીધી છે.

ચાલુ વરસાદમાં ઘરવખરી શેરીમાં પલળી રહી છે.

ચાલુ વરસાદમાં ઘરવખરી શેરીમાં પલળી રહી છે.

સ્થાનિક મહિલાએ વૈકલ્પિક સુવિધા કરી આપવા માગ કરી
સ્થાનિક મહિલા પારુલબેને જણાવ્યું હતું કે અમે મનપાને બીજે રહેવા માટે વ્યવસ્થા કરી દો એવી રજૂઆત કરી છે. હાલ ઘર પડી ગયું હોવાથી શેરી વચ્ચે સામાન રાખ્યો છે અને ઝરમર વરસાદથી ઘરવખરી પણ પલળી ગઈ છે. અમારે તો બધું જ લૂંટાઈ ગયું છે. હાલ કોઈ ભાડે મકાન આપતું નથી. આથી વૈકલ્પિક સુવિધા કરી આપો, જેથી ચોમાસામાં અમે અને ઘરવખરી સુરક્ષિત રહી શકે.

મહિલા અને બાળકના ચહેરા પરથી નૂર છીનવાયું.

મહિલા અને બાળકના ચહેરા પરથી નૂર છીનવાયું.

મનપાએ ઘર ખાલી કરવા અગાઉ નોટિસ પાઠવી હતી
રાજકોટના વોર્ડ નં.13માં ખોડિયારનગર વિસ્તારમાં ટીપી રોડને લઈને 80 મકાન અને દુકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. મનપાના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ લોકોને જાણ કરવામાં આવી હતી. પરંતુ મકાન અને દુકાનો ખાલી કરાયાં નહોતાં, પરંતુ હાલ ધીમી ધારે વરસાદ હોય અને આ રીતે રસ્તા પર સ્થાનિકોએ સામાન મૂકી દીધો છે.

મહિલાઓનાં આંસુ રોકાતાં નથી.

મહિલાઓનાં આંસુ રોકાતાં નથી.

વેરો ભરીએ છીએ છતાં આવું કર્યું: સ્થાનિક મહિલા
સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે નીતિન રામાણી અહીંના નેતા છે, તેઓ આજે ડોકાયા પણ નથી. અમે રેગ્યુલર પાણીવેરો સહિતનો વેરા ભરીએ છીએ. ગટર સાફ કરાવવાની હોય તો અમારે તેમને ફોન કરવો પડે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માગવા પહોંચી જાય છે. મનપાએ અમને ત્રણ દિવસનો જ ટાઇમ આપ્યો હતો. હવે અમારે ક્યાં જવું, કોઇ મકાન પણ તાત્કાલિક ભાડે આપતું નથી. હાલ ઘરવખરી રસ્તા વચ્ચે પલળી રહી છે.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન.