સૌરાષ્ટ્રના પાડોશી જિલ્લાના પોલીસવડા તરીકે પોલીસ દંપતીની બદલી, જાણો વિગતે !!

0
837

જામનગર અને દેવભૂમિ દ્વારકાના એસ.પી. તરીકે આઇપીએસ દંપતિ મૂકાયા

શ્વેતા શ્રીમાળી જામનગરના નવા એસ.પી. જ્યારે તેમના પતિ સુનીલ જોષીને દ્વારકા જિલ્લાના એસ.પી. બનાવાયા

જામનગરના એસ.પી. તરીકે 2010 ની બેચના આઇપીએસ શ્રીમતી શ્વેતા શ્રીમાળીની નિમણૂક આપવામાં આવી છે. તેઓ હાલના એસપી શરદ સિંઘલનું સ્થાન લેશે. શ્વેતા શ્રીમાળીના પતિ સુનીલ જોષીને પણ નજીકના જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ પણ 2010ની બેચના આઇપીએસ છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઇરાત્રે મોટા પાયે આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના એસપી શરદ સિંઘલની પણ બદલી કરવામાં આવી છે. તેમને હાયર ગ્રેડમાં પ્રમોશન સાથે સુરતના ટ્રાફિક ડિ.સી.પી. તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને હાલ ડાંગ જિલ્લાના એસ.પી. તરીકે ફરજ બજાવતા શ્રીમતી શ્વેતા શ્રીમાળીને નિમણૂક આપવામાં આવી છે. તેઓ જામનગરના નવા એસ.પી. બનશે. આ સાથે જ તેમના પતિ સુનીલ જોષી કે જેઓ હાલ વલસાડ જિલ્લાના એસ.પી. તરીકે ફરજ બજાવે છે. તેમને જામનગરની નજીકના દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. તરીકે નિમણૂક આપવામાં આવી છે, તેઓ રોહન આનંદનું સ્થાન લેશે. રાજ્ય સરકારની પોલીસી અનુસાર આઇપીએસ કે આઇએએસ દંપતિને નજીક-નજીકમાં જ પોસ્ટીંગ આપવામાં આવે છે. જે પોલીસી અનુસાર આ આઇપીએસ દંપતિનું હાલારના જ બન્ને જિલ્લામાં એસ.પી. તરીકે પોસ્ટીંગ આપવામાં આવી છે.

આ અગાઉ જામનગરના એસ.પી. તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રદીપ સેજુલ એ આઇપીએસ અધિકારી શોભા ભૂતડા સાથે લગ્ન કર્યા બાદ શોભા ભૂતડાને પણ જામનગર નજીક ચંગાના એસઆરપી કેમ્પના વડા તરીકે નિમણૂક આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ એકવાર આઇપીએસ દંપતિ હાલારમાં ફરજ બજાવશે.

અહેવાલ:- સાગર સંઘાણી ,જામનગર.