રાજકોટ શહેરની મંજૂર થયેલી સૂચિત સોસાયટીઓના મકાન ધારકોના હક દાવાઓ મંજૂર કરવા સોસાયટી વાઈઝ કેમ્પ કરાશે

0
446

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા સંબંધિત અધિકારીઓને ઝડપી કામગીરી કરવા સૂચના: અત્યાર સુધીમાં ૫૯૩૨ દાવાઓ મંજૂર

રાજકોટ શહેરની મંજૂર થયેલી ૧૬૭ સોસાયટીના નિયત કરાયેલ બાંધકામની સમયમર્યાદા મુજબના મકાન ધારકોના માલિકી હક મંજુર કરવા અંગેની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા હકારાત્મક અભિગમ દાખવી શરૂ કરાયેલી યોજનાની કામગીરી વધુ ઝડપથી આગળ વધે અને પાત્રતા ધરાવતા લોકોને માલિકી હક પ્રાપ્ત થાય તે માટે રાજકોટ કલેકટર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલેકટર અરુણ મહેશ બાબુ એ સંબંધિત રેવન્યુ અધિકારીઓની બેઠક બોલાવીને આ અંગેની કામગીરીમાં લોકોને સરળતા રહે તે માટે સોસાયટીમાં જઈને કેમ્પો કરીને લોકોને માર્ગદર્શિત કરવા સૂચના આપવામાં આવી છે.

માલિકી હક્ક અંગેના વિવિધ કેસમાં જેની ફી ભરવાની બાકી હોય તે લોકોને ફી ભરવા અંગે જણાવવા તેમજ જે ફાઇલમાં પૂર્તતા બાકી હોય તેમને જરૂરી દસ્તાવેજી આધારો માટે જણાવવા અને જેમને અરજી કરવાની બાકી હોય તેઓ અંગેની અરજી કરે તે અંગે સોસાયટી કામગીરી કરવા સંબંધિત મામલતદારોને જણાવવામાં આવ્યું છે. મકાનોને કાયદેસરનો દરજ્જો તથા લોન અને અન્ય લાભો મળી રહે તે પણ આ યોજનાનું મહત્વનું પાસું છે. પ્રથમ તબક્કામા તા.૧/૧/૨૦૦૦ સુધીમાં સૂચિત સોસાયટીમાં થયેલ બાંધકામ માટે લાભ આપવામાં આવ્યો હતો. આ કાયદાનો લાભ વધુમાં વધુ લોકોને મળે એ હેતુથી આ તા.૧/૧/૨૦૦૫ સુધી વધારવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫,૯૬૨ દાવાઓ મંજુર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં આ જોગવાઈ સમયે ભરવાની થતી કમ્પાઉન્ડીગ ફીની રકમ એક સાથે ૯૦ દિવસમાં ભરપાઈ કરવાની જોગવાઈ હતી. પરંતુ આર્થિક સગવડ ન હોવાના કારણે મકાન ધારકોને ફી ભરવામાં અગવડ પડતી હોવાથી આ રકમ ચાર હપ્તામાં એક વર્ષના સમયગાળામાં ભરપાઈ કરવા બાબતે મુખ્યમંત્રી દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. આમ રોટલાની સાથે ઓટલાની પણ ચિંતા કરતી સંવેદનશીલ સરકાર દ્વારા કાયદાકીય આંટીઘૂંટી દૂર કરી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મકાનના માલિકી હક આપવાની ઉમદા કામગીરી કરવામાં આવેલ છે.