ભૂતવડ પાસે કાર પલટતા કારખાનાની દીવાલ સાથે અથડાઈ, દંપતીનું મોત, રક્ષાબંધન ઉજવવા પરિવાર અમદાવાદથી વતન જતો હતો

0
1250
  • અમદાવાદથી રાણાવાવ રક્ષાબંધન ઉજવવા પરિવાર ઈકો કારમાં આવી રહ્યો હતો
  • અકસ્માતમાં બે વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ, ચારને ગંભીર ઈજા

ધોરાજી અમદાવાદનો લગધીર પરિવાર અમદાવાદથી પોરબંદરના રાણાવાવ રક્ષાબંધનનો તહેવાર ઉજવવા આજે રવિવારે વહેલી સવારે ઇકો કારમાં આવી રહ્યો હતો. ધોરાજીના ભૂતવડ ગામના પાટીયા પાસે ઢોર આડુ ઉતરતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે 2 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.

મૃતક અમદાવાદમાં મારૂતિ કુરિયરમાં કામ કરતા હતા
અમદાવાદમાં મારુતિ કુરિયરમાં કામ કરતા પ્રવીણભાઈ રાજાભાઈ લગધીર રક્ષાબંધન તહેવાર ઉજવવા વતન રાણાવાવના મોકર આવવા નીકળ્યા હતા. ત્યારે આજ રોજ સવારે અંદાજીત સાડા સાત વાગ્યે ધોરાજીના ભૂતવડ પાટિયા પાસે ઢોર અચાનક વચ્ચે પડતા તેને બચાવવા કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી બેસતા ઇકો કાર ઉછળીને રોડ સાઈડમાં આવેલા એક કારખાનની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં પ્રવીણભાઈ રાજાભાઈ લગધીર (ઉ.વ.35) અને તેમના પત્ની ગીતાબેન પ્રવીણભાઈ લગધીર (ઉં. વ.32)ના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિના નામ
1. કિરીટભાઈ દેવજીભાઈ જોશી (ઉં.વ. 37)
2.પ્રિયાબેન રામભાઈ લગધીર (ઉં.વ. 22)
3.મગનભાઈ કેશુભાઈ જોશી (ઉં.વ. 22)
4.મંજુબેન કિરીટભાઈ જોશી (ઉં.વ. 37)

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા હોસ્પિટલ દોડી ગયા
આ બનાવ બાદ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વસોયાએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી જરૂરી કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા તંત્રને સુચના આપી હતી. રક્ષાબંધનના એક દિવસ પૂર્વે થયેલા ગમખ્વાર અકસ્માતમાં વિપ્ર દંપતીના મોતથી બ્રહ્મ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માતના બનાવ અંગે ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.