કેશોદ શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાતાં રોડ રસ્તા નાં કામમાં થયેલી પોલમપોલ ખુલ્લી પડી…

કેશોદ: કેશોદ શહેર તાલુકામાં છેલ્લાં બે દિવસથી ધીમીધારે વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓ માં ખુશી વ્યાપી ગઈ છે. કેશોદ પંથકમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે ઉભી મોલાતને જીવતદાન મળી ગયું છે અને વાદળછાયા વાતાવરણથી હજું વધું પ્રમાણમાં વરસાદ સમયસર થઈ જશે એવી આશા સાથે શ્રધ્ધા જોવા મળે છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં છ માસ પહેલાં યોજાયેલી સામાન્ય ચૂંટણી આગાઉ યુદ્ધનાં ધોરણે બનાવવામાં આવેલાં રોડ રસ્તા માં લેવલને નિયંત્રિત કરવામાં આવેલ ન હોય ઉપરાંત લાગતાં વળગતા ને રાજી કરવા આડેધડ બનાવેલ બમ્પને કારણે પાણી ભરાઈ જતાં તંત્ર ની રોડ રસ્તાઓ નાં કામમાં થયેલી પોલમપોલ ઉઘાડી પડી છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ કેશોદના શહેરીજનો ને અપીલ કરી છે કે છેલ્લાં બે વર્ષમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડ રસ્તા તુટી જાય, બેસી જાય તો વિસ્તારનાં નામ સાથે ફોટોગ્રાફ મો નં ૯૮૨૫૮ ૭૦૪૭૨ મોકલી આપશો તો ત્રણ વર્ષની ગેરન્ટી પીરીયડ વાળાં તમામ રોડ રસ્તાઓ ની સામુહિક રજુઆત કરી કામ રાખનાર એજન્સી પાસે ફરીથી રોડ રસ્તા બનાવડાવવા માંગણી કરવામાં આવશે. કેશોદ શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે પાણી ભરાઈ જવાના પ્રશ્નો ઉભા થયા છે તો વધારે વરસાદ આવે તો શું સ્થિતિ સર્જાશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.
અહેવાલ:- અનિરૂધ્ધસિંહ બાબરીયા, કેશોદ