રાજકોટના યુવકે ઈ-મેમોથી બચવા માટે બાઈકમાં જુઓ શું કર્યું

0
1498

વાહન ચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે એટલે પોલીસ દ્વારા બાઈક ચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવે છે. જો વાહન ચાલક ઈ-મેમો ન ભરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. પણ ઈ-મેમોથી બચવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ઉપાય કરતા હોય છે. કેટલાક લોકો નંબરપ્લેટને વાળી દેતા હોય છે. તો કેટલાક લોકો નંબરપ્લેટ પર કપડું બાંધી દેતા હોય છે. તો કેટલાક લોકો નંબરપ્લેટ પર કલર લગાવી દેતા હોય છે. ત્યારે રાજકોટમાં એક યુવકે ઈ-મેમોથી બચવા માટે આખી નંબરપ્લેટ જ બદલી નાંખી હતી. લોકો દંડથી બચવા માટે અલગ-અલગ પ્રકારને પેંતરાઓ કરીને ક્યારેક ગંભીર ગુનો પણ કરી બેસે છે જેના કારણે તેમના નામ પોલીસના ચોપડે ચઢી જાય છે.

રિપોર્ટ અનુસાર રાજકોટની આજીડેમ પોલીસનો સ્ટાફ કોઠારીયા રોડ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો. તે સમયે પોલીસે આગળની સાઈડ નંબરપ્લેટ વગરની બાઈક પર જતા બે ઇસમોને અટકાવ્યા હતા. ત્યારબાદ પોલીસે બાઈકનું ચેકિંગ કરતા એક નંબરપ્લેટ પાછળના ભાગે મળી આવી હતી. પણ એ નંબરપ્લેટ પણ ફેન્સી હતી. બાઈકની પાછળની સાઈડની નંબરપ્લેટમાં GJ-R-1.5-8685 નંબર લખેલો હતો. પણ જ્યારે પોલીસે બાઈકની ચેસીસ નંબરના આધારે પોકેટ કોપમાં તપાસ કરતા આ બાઈકનો રજીસ્ટ્રેશન નંબર GJ-14-HR-7180 હોવાનું સામેં આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે બાઈક ચાલક યુવકની પૂછપરછ કરતા તેને પણ બાઈકની પાછળ ખોટી નંબરપ્લેટ લગાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીનું નામ પરેશ મકવાણા હોવાનું સામે આવ્યું હતું. પરેશે તેના ઘરે ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલે ઈ-મેમો ન આવે એટલા માટે બાઈકમાં નકલી નંબરપ્લેટ લગાવી હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેશ નેચડાએ બાઈકના નકલી નંબરપ્લેટ લગાવીને ફરનાર યુવક પરેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા પરેશ મકવાણી ધરપકડ કરીને બાઈક કબજે કરવામાં આવી હતી.

મહત્ત્વની વાત છે કે, આજીડેમ પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં ચેકિંગની કાર્યવાહી દરમિયાન નંબરપ્લેટ ન લગાવી હોય તેવા 21 વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. 21માંથી 6 વાહન ચાલકે RTOમાં નંબરપ્લેટનો દંડ ભરી દેતા અને નિયમ અનુસારના નંબરપ્લેટ લગાવી દેતા તેમના વાહનોને મુક્ત કરવામાં આવ્યા હતા.

અહેવાલ- દિલીપ પટેલ, રાજકોટ