અરવલ્લી જિલ્લામાં રાજકીય ભૂકંપ….
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે, ચારસોથી વધુ કાર્યકરોએ જિલ્લા પ્રભારી મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલની આપખુદ શાહીભરી કાર્યશૈલીથી તેમજ પાર્ટી મીટીંગ દરમિયાન અપમાન જનક શબ્દોના ઉપયોગથી અને પોતાના મળતિયાઓને પાર્ટીના મહત્વના પદ પર નિયુક્ત કરતાં રોષ સાથે અસંતોષ વ્યક્ત કર્યો છે, અને અરવલ્લી જિલ્લા પ્રમુખ પદેથી રાજેન્દ્ર પટેલને હટાવવાની માંગ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે…..
વધુ પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લા ભાજપના ચારસોથી વધુ કાર્યકરોએ જિલ્લા પ્રમુખની આપખુદ શાહી ભરી કાર્યશૈલી સામે નારાજગી વ્યક્ત કરી છે,અને કાર્યકરોમાં થતી ચર્ચા અનુસાર જિલ્લામાં બે પ્રમુખોનો વહીવટ હોય તેમ જણાય રહ્યું છે, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ પ્રમુખ ભરતસિંહ રહેવરના ઇશારે કામ કરી રહ્યા છે અને સંગઠનના મોટાભાગના નિર્ણય ભરતસિંહ રહેવરના નિવાસસ્થાન “રૂપાલ” થી લેવામાં આવી રહ્યા છે,અને કાર્યકરોમાં એવો પણ ગણગણાટ ચાલી રહ્યો છેકે,અરવલ્લી જિલ્લા ભાજપનું હેડ ક્વાર્ટર “રૂપાલ” છે…..
અરવલ્લી જિલ્લા ભાજપના કાર્યકરોમાં થઈ રહેલી ચર્ચા મુજબ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ દ્વારા પૂર્વ પ્રમુખ ભરતસિંહ રહેવરના ઇશારે સંગઠનમાં મહત્વની જવાબદારી મળતિયાઓને સોંપવામાં આવી રહી છે, એટલુજ નહી જે કાર્યકરો વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા છે અને પાર્ટી માટે પોતાનું આખું જીવન સમર્પીત કર્યુ છે તેવા કાર્યકરોને હાંસિયામાં ધકેલી પ્રાથમિક સભ્ય પણ ન હોય તેવા લોકોને તાત્કાલિક સભ્ય બનાવી પાર્ટીના મહત્વના પદભાર સોંપી દેવામાં આવ્યા છે. અને ઘણી વખતે પાર્ટીની બેઠક દરમિયાન રાજેન્દ્ર પટેલ દ્વારા અમુક જ્ઞાતિ વિષયક અપમાન જનક શબ્દો ઉચ્ચારવામાં આવે છે,જેને લઇને પણ અમુક જ્ઞાતિના કાર્યકરો ખાસા નારાજ છે, જેના કારણે ૨૦૨૨ માં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ભારે નુકશાન થઈ શકે તેમ છે….
ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલાં ધનસુરા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પટેલે પણ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલની આપખુદ શાહી ભરી કાર્યશૈલીથી નારાજ થઈ લેખિતમાં રોષ વ્યકત કર્યો હતો….
અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી