જુનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

0
350

જુનાગઢના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા

જુનાગઢ સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ અસહ્ય ગરમી અને ધોમધખતો તડકો પડી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો સાર્વત્રિક વરસાદની રાહ જોઈને બેઠા છે. લોકો પણ અસહ્ય ઉકળાટથી કંટાળ્યા છે અને ધોધમાર વરસાદની રાહ જુએ છે. ત્યારે જુનાગઢમાં આજે સવારથી બપોરના 2 વાગ્યા સુધી તડકો પડ્યો હતો અને બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

કપાસ અને મગફળીના પાકને વરસાદની જરૂર
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાકને વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. કપાસ અને મગફળીનો પાક વરસાદ વગર સુકાવા લાગ્યો છે. આથી ખેડૂતો પણ ધોધમાર વરસાદની રાહ જોઈને બેઠા છે. પરંતુ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હળવા ઝાપટાથી પાકને પણ પુરતું પાણી મળતું નથી. આથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસ, મગફળી ઉપરાંત મગ, અડદ. તલ, મકાઈ સહિતના પાકોમાં વરસાદની જરૂરિયાત ઉભી થઈ છે.

અમરેલી પંથકમાં 31 જુલાઈએ એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો
ગઈકાલે 1 ઓગસ્ટના રોજ વીરપુર અને બાબરા પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ યાત્રાધામ વીરપુરમાં પણ વરસાદી ઝાપટુ વરસ્યું હતું. હવામાન વિભાગની આગાહી હોવા છતાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી તેવું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. 31 જુલાઈએ અમરેલીના કુંકાવાવ પંથકમાં એકથઈ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદ પછી સૌરાષ્ટ્રમાં એક ઈંચ વરસાદ પણ કોઈ જગ્યાએ નોંધાયો નથી.