- પતિ નવી સિવિલમાં અને શીતલબેન ગેડીયા સ્મીમેર હોસ્પિટલમાં નર્સ છે
- 2006ના વિનાશક પુર વેળાએ સતત 85 દિવસ હોસ્પિટલમાં સેવા આપી હતી
- પોઝિટિવ હોવા છતા એક જ ખેવના છે ફરી પાછા દર્દીઓની સેવામાં લાગી જવાની
સુરત શહેરમાં કોરોના સંક્રમણના પ્રારંભથી આજદિન સુધી દર્દીઓની સેવા અને કાળજી માં લાગેલા તબીબો અને સ્ટાફ નર્સનો દર્દીઓ સાથે એક અલગ પ્રકારનો ઘરોબો કેળવાયો છે અને આપ્તજનનો ભાવ અને સબંધ થયા છે. સ્મીમેર હોસ્પિટલના અહીં શીતલબેન ગેડિયા નામના નર્સને હોમ ક્વોરન્ટીનમાં પોતાના બાળકો, સાસુ કરતા વધારે પોતાના વોર્ડના દર્દીઓની સેવા માટે ઉત્સુક છે.
કોરોના સમયથી સતત હોસ્પિટલમાં સેવા આપી
કોરોના વોરિયર્સ અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપવાની સાથે સુશ્રુષા તેમના વોર્ડમાં દર્દીઓ સાથે ભાવનાત્મક સંબંધો કેળવી ચૂકેલા આ મહિલા નર્સને હાલ હોમ ક્વોરન્ટીન કરાયા છે પણ તેઓને ઘરમાં રહેવા કરતાં પોતાના દર્દીઓની સતત યાદ આવે છે. પોતાના બે બાળકો છે છ વર્ષના બાબાને અસ્થમા છે. એક દીકરી અને સાસુ ઘરમાં છે. પતિ પત્ની બંને છેલ્લા કોરોના સમયથી સતત હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.
રિપોર્ટ નેગેટિવ આવવાની રાહ જોઈ રહ્યા છે
સુરતની સ્મિમેર હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતા શીતલબેન ગેડિયા સ્ટાફ નર્સ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓની તબિયત બગડતા અને તબીબો દ્વારા તપાસણી કરાતા કોરોના પોઝેટિવ આવ્યો હતો એટલે સાત દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરાયા છે. આમ સતત આઇસોલેશનમાં રહેવાનો સમય આવતા શીતલબેન રાહ જોઈ રહ્યા છે કે, રિપોર્ટ નેગેટિવ આવે અને જલ્દીથી હોસ્પિટલમાં મારા દર્દીઓની સેવામાં લાગી જાઉં. મૂળ સૌરાષ્ટ્રના શીતલ બહેન અગાઉ સુરતમાં આવેલા 2006 પુર વેળાની સતત 85 દિવસની સેવાઓની પણ સરાહના થઈ હતી.
ક્વોરન્ટીનના સાત દિવસ પુરા થશે
શીતલબેનના પતિ પણ ન્યુ સિવિલ હોસ્પિટલમાં નર્સ સ્ટાફના હેડ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓના બાબાને અસ્થમા છે તેમના સાસુ બીમાર રહે છે છતાં પતિ-પત્ની બંને છેલ્લા ચાર માસથી કોરોના દર્દીઓની કાળજી લઈ રહ્યા હતા. શીતલ બહેનનો તેઓના વોર્ડના દર્દીઓ સાથે એટલો ઘરોબો કેળવાયો હતો. હોમ ક્વોરન્ટીનના સમયમાં પણ એક જ પ્રાર્થના કરે છે બસ હું જલ્દી સાજી થઈને મારા દર્દીઓ પાસે પહોંચી જાઉં અને તેઓની સેવામાં લાગી જાઉં. શીતલ ગેડિયાએ પોતાનો ઉસ્સાહ તેમની એક સાથી નર્સ સમક્ષ સો. મીડીયાના માધ્યમથી વ્યક્ત કર્યો હતો. તેઓને આવતી કાલે ક્વોરન્ટીનના સાત દિવસ પુરા થાય છે.