૪ મેગાવોટ લેન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટનાં આયોજન અંગે પણ ચર્ચા કરી

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજરોજ તા. ૨૦-૦૭-૨૦૨૧ના રોજ સવારે નાકરાવાડી લેન્ડ ફીલ સાઈટની મુલાકાત કરી હતી, અને આ સાઈટ ખાતે વેસ્ટ પ્રોસેસિંગની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તદઉપરાંત લેન્ડ ફીલ સાઈટ સેલ-૧ અને સેલ-૨ ની કામગીરી પણ નિહાળી હતી. સાથોસાથ કમિશનરએ જુની સાઈટ સોખડાની વિઝિટ પણ કરી હતી.

નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્લાન્ટની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા કમિશનરએ અધિકારીઓને સૂચના આપી હતી. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાએ રોશની વિભાગ લગત મેગાવોટ સ્કેલના સોલાર પાવર પ્લાન્ટ માટે ચર્ચા કરી હતી, અને સોખડા ખાતે પણ આ કામે વિઝીટ કરેલ હતી. રાજકોટ મહાનગરપાલિકાએ ૪ મેગાવોટ લેન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ મૂકવાનું આયોજન કરેલ છે. આ વર્ષના નાણાકીય બજેટમાં આ કામે રૂપિયા ૧૮ કરોડની જોગવાઈ પણ કરવામાં આવેલ છે.

આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ લીધેલી ઉપરોક્ત સાઈટ વિઝિટ દરમ્યાન ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘ, પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર, એડી. સિટી એન્જી. બી.ડી.જીવાણી, ડેપ્યુટી એન્જિનિયર અંબેશ દવે અને આર.વી.જલુ, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી હાજર રહયા હતાં.