લેઉઆ પાટીદાર સમાજ ઓફ યુએસએના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા પ્રેસિડેન્ટ તરીકે નયના પટેલ ચૂંટાયા

0
356

અમેરિકામાં લેઉઆ પાટીદાર સમાજ (LPS) ઓફ યુએસએમાં નવા પ્રેસિડેન્ટ માટે ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીમાં ઈતિહાસ રચાઈ ગયો હતો. આ ચૂંટણીમાં મૂળ સુરતના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા નયના (નેન્સી) પટેલ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. એલપીએસ ઓફ યુએસએના 31 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા પ્રેસિડેન્ટ બન્યા છે જે નયના પટેલ છે. તેઓ વર્ષ 2020-21ની મુદ્દત માટે ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતમાં સુરતના બારડોલી પાસેના સોયાલી ગામના મૂળ વતની અને કુંભારિયામાં પિયર ધરાવતા નયના (નેન્સી) પટેલ એલપીએસ ઓફ યુએસએ સાથે જુલાઈ 2009થી સંકળાયેલા છે. છેલ્લા દસ વર્ષમાં તેમણે એલપીએસ ઓફ યુએસએના પ્રત્યેક ડિપાર્ટમેન્ટમાં સેવાઓ આપી છે. તેમણે છ નેશનલ કન્વેન્સન્સ અને ચાર સુપર રિજનલ કોન્ફરન્સિંઝનું સંચાલન કર્યું છે. શરૂઆતના વર્ષમાં વિમેન કોન્ફરન્સીઝ અને વિમેન્સ એમ્બેસેડર પ્રોગ્રામ પ્લેટફોર્મનું સર્જન કરવાનું શ્રેય પણ નયના પટેલને જાય છે.

પ્રેસિડેન્ટ (પ્રમુખ) તરીકે હોદ્દાનો કાર્યભાર સંભાળતા નયના પટેલ એલપીએસ ઓફ યુએસએના સભ્યોને પોતાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવનારા આયોજનોની રૂપરેખાઓ વર્ણવી હતી. તેમણે વર્તમાન મહામારી કોવીડ 19ના પડકારોનો સામનો એકસંપ થઈને કરવાની હાકલ કરતાં જણાવ્યું કે, કોવીડ 19ને કારણે માત્ર શારિરીક જ નહીં, માનસિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ પણ ઉપસ્થિત થયા છે. તેમણે એલપીએસ સમુદાયને હેલ્થ, હેપ્પીનેસ એન્ડ રિલેશનશીપ્સ સૂત્રને સાકાર કવરા અને લક્ષ્ય આપવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

નેન્સી પટેલે એલપીએસ ઓફ યુએસએના સભ્યોને જણાવ્યું હતું કે, આપ સહુના તરફથી કેવી રીતે સહુ ખુશ રહી શકે? તે અંગેના પ્રતિભાવો મળી રહે તે માટેની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, હેપ્પીનેસ તે રેડીમેઈડ રેસિપી નથી, પણ તે આપણા સહુના પગલાઓથી જ સર્જાય છે.

અત્યારના સમયમાં આપણા સહુ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. વધી રહેલા અંતરથી ભવિષ્યની યુવા પેઢીમાં ખોટા સંદેશાઓ જાય છે. આ વર્ષ દરમિયાન આવું અંતર દૂર થાય અને આપણે સહુ આપમા પરિવાર, મિત્રવર્તૂળ અને સમુદાય સાથે સંકળાઈએ તે માટે સહુ સાથે મળીને કાર્ય કરીશું. આ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ટેક્નોલોજીનો પુરેપુરો ઉપયોગ કરીશું તેમ નેન્સી પટેલે જણાવ્યું હતું.

એલપીએસ ઓફ યુએસએના તમામ સભ્યો આધારસ્તંભ છે અને આપણે એક સંપ થઈને લેઉઆ મેમ્બર્સ મેટર માટે કાર્યરત થઈશું તેમ પણ નેન્સી પટેલે જણાવ્યું હતું.