નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઇ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
ભાવનગરને મળી કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ભેટ
સૌરાષ્ટ્રના ભાવનગર-બોટાદ-અમરેલી જિલ્લાના લોકોને હવે ભાવનગરમાં જ કેન્સર કેર સારવાર સુવિધા મળશે

ર૯ર પરિવારોને રૂ. ૧૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ અર્પણ કરાયાં
પાંચ એમ.એલ.ડી ક્ષમતાના રૂ. પ.ર૭ કરોડના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના રૂ. ૧૩.રપ કરોડના વિકાસકામોની ભાવનગરને ભેટ
દુઃખીરામ બાપા સર્કલ થી ટોપ- ૩ સર્કલ સુધીના ૪.૦ કિ.મી. ના રૂા. ૧૦.૯૯ કરોડના ખર્ચે તૈયાર થનાર આર.સી.સી. રોડનું ખાતમૂહૂર્ત
નારી તળાવનાં રૂા. ૨.૨૫ કરોડના ખર્ચે થનાર બ્યુટીફિકેશનની કામગીરીની શરૂઆત કરાવતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
કેન્સરની સારવાર માટે નાણાના અભાવે રાજ્યનો કોઇપણ નાગરિક જાન ન ગુમાવે તે માટે સ્થાનિક સ્તરે જ અદ્યતન કેન્સર હોસ્પિટલો ઉભી કરી ‘કેન્સરને કેન્સલ’ કરવું છે
રાજ્યમાં અત્યાર સુધી ૩ કરોડ રસી આપીને રાજ્યના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેર સામે સુરક્ષિત કર્યા છે
કોરોનાકાળમાં પણ આપણે ૩૦,૦૦૦ કરોડના લોકાર્પણો અને ખાતમુહૂર્તો કર્યા છે, ૨.૨૫ લાખ કરોડના વિકાસ કાર્યો પ્રગતિમાં છે તે લોકાભિમુખ શાશનની પ્રતિતી છે
‘ન રૂકના હૈ, ન ઝૂકના હૈ’ ના મંત્ર સાથે કોરોનાની બે તબક્કાની લડાઇમાં આપણે સફળતાપૂર્વક બહાર આવી ગયાં છીએ
સાવચેતી અને સાવધાની તથા અંધશ્રધ્ધા- વહેમથી દૂર રહી વહેલી તકે રસી લઇ લેવાં નાગરિકોને અપીલ
જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ, તેનું લોકાર્પણ પણ અમે કરીએ છીએ તેવી કાર્યસંસ્કૃતિ વિકસાવી છે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
કોરોનાની સારવાર માટે છેલ્લાં દોઢ વર્ષમાં પ્રાથમિક અંદાજે રૂ. ૫ હજાર કરોડનો ખર્ચ કરી રાજ્યનાં નાગરિકોની મહામૂલી જિંદગી બચાવી છે
ભાવનગરમાં આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ કરવાં માટે સર ટી. હોસ્પિટલ સાથે લેપ્રસી હોસ્પિટલને પણ આરોગ્ય સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહી છે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર મહાનગરને એક જ દિવસમાં શહેરી જનસુખાકારી અને આરોગ્ય સુવિધાના રૂ. ૭૦ કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.
મુખ્યમંત્રીએ ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઇ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. તેમની સમગ્ર કેમ્પસની મુલાકાત લઇને તેની વિગતો પણ જાણી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇએ કેન્સરની સારવાર માટે નાણાને અભાવે રાજ્યનો કોઇપણ નાગરિક જાન ગુમાવે તે માટે સ્થાનિક સ્તરે જ અદ્યતન અને કરોડોના વિદેશી ઉપકરણો સાથેની કેન્સર હોસ્પિટલો સ્થાનિક સ્તરે જ ઉભી કરી ‘કેન્સરને કેન્સલ’ કરવું છે અને તે દ્વારા નાગરિકોની મહામૂલી જિંદગી બચાવવાની નેમ વ્યક્ત કરી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાઇઓમાં મોં ના અને બહેનોમાં ગર્ભાશયના કેન્સર વધતાં જાય છે ત્યારે તેની સારવાર માટે પહેલાં જામનગર, સૂરત અને હવે ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ શરૂ થઇ ગઇ છે. આ કેન્સર હોસ્પિટલથી ભાવનગર સાથે અમરેલી અને બોટાદના નાગરિકોને પણ લાભ મળશે.
અગાઉ કેન્સરની સારવાર લેવાં માટે બોમ્બે જવું પડતું હતું. અને કેન્સરની સારવાર પણ મોંઘી હતી. પરંતુ હવે આ કેન્સર હોસ્પિટલ શરૂ થઇ જવાથી અહીં જ સ્થાનિક સ્તરે સારવાર મળી જશે. આ કેન્સર હોસ્પિટલમાં રૂા. ૩૨ કરોડનું રેડિયેશન સારવારનું મશીન મુકવામાં આવ્યું છે જેનાથી આધુનિક સારવાર ઉપલબ્ધ થશે તેની રૂપરેખા તેમણે આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં આરોગ્ય સેવાઓનું માળખું સુદ્રઢ કરતાં આગામી ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રમાં એઇમ્સની શરૂઆત થઇ જવાથી સૌરાષ્ટ્રના નાગરિકોને આધુનિક સુવિધાઓ મળતી થઇ જશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષઃ ૨૦૦૦ સુધી રાજ્યમાં મેડિકલની માત્ર ૯૦૦ બેઠકો હતી તે આજે બે દાયકામાં આપણે વધારીને ૬૫૦૦ બેઠકો કરી છે. જેનાથી આપણાં વિદ્યાર્થીઓને બહાર અભ્યાસ કરવાં માટે નહીં જવું પડે આ ઉપરાંત આપણને જોઇતાં ડોક્ટરો તૈયાર કરી શકાશે.
કોગ્રેસે માત્ર સ્ટ્રક્ચરો ઉભા કર્યા પરંતુ આપણે સાચા અર્થમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભાં કર્યા છે. કોગ્રેસે નર્મદા ડેમનું માળખું બનાવ્યું પરંતુ તેને ખરાં અર્થમાં સાકાર કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.
ભાવનગરમાં પણ આગામી સમયમાં સી.એન.જી. ટર્મિનલ શરૂ કરવામાં આવશે. અલંગનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ઘોઘા-દહેજ ફેરી જેવાં પ્રકલ્પો શરૂ કર્યો છે આ તમામ દ્વારા ભાવનગરનો પણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્રારા ભરવામાં આવેલાં પગલાંઓની સમજ તેમણે આપી હતી.
રાજ્યમાં આજની તારીખે ૩ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. ‘ન રૂકના હૈ, ન ઝૂકના હૈ’ ના મંત્ર સાથે કોરોનાની બે તબક્કાની લડાઇમાં આપણે સફળતાપૂર્વક બહાર આવી ગયાં છીએ. કોરોના સામેની લડાઇમાં રસીકરણ એ જ હથિયાર છે. મેં પણ રસીના બંન્ને ડોઝ લઇ લીધાં છે.
કોરોના સામેના ત્રીજા વેવમાં સુરક્ષિત રહેવાં માટે તમામ નાગરિકોએ કોરોનાની રસી લઇ લેવી જોઇએ તેમ જણાવી તેમણે લોકોને કોરોના હજુ ગયો નથી તેમ માનીને સાવચેતી અને સાવધાની રાખવાં જણાવી બીનજરૂરી અંધશ્રધ્ધા- વહેમથી દૂર રહી વહેલી તકે રસી લઇ લેવાં નાગરિકોને અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ, તેનું લોકાર્પણ પણ અમે કરીએ છીએ તેવી કાર્યસંસ્કૃતિ વિકસાવી છે. કોરોનાકાળમાં પણ આપણે ૩૦,૦૦૦ કરોડના લોકાર્પણો અને ખાતમુહૂર્તો કર્યા છે. આ ઉપરાંત ૨.૨૫ લાખ કરોડના વિકાસ કાર્યો પ્રગતિમાં છે તે લોકાભિમુખ શાશનની પ્રતિતી છે.
મંત્રી વિભાવરીબેન દવેએ તેમના સ્વ. પતિને કેન્સરની લડાઇમાં ગુમાવ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાવનગરના કોઇપણ વ્યક્તિનું કેન્સરથી મૃત્યુ ન થાય તે માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કેન્સરની હોસ્પિટલનું નિર્માણ થાય તે માટે કરેલાં પ્રયત્નોની સરાહના કરી હતી.
ભૂતકાળમાં કોગ્રેસે મકાન બનાવવાં માટેના ખોટા ફોર્મ વહેચ્યાં હતાં તેવી અમારી સરકાર નથી તેમ જણાવી તેમણે કહ્યું કે, અમારી સરકાર ઇમાનદાર સરકાર છે. અમારી તીજોરીમાં કોઇ છેદ નથી. પ્રજાના એક-એક પૈસો પારદર્શકતાથી લોકોની સેવા માટે વપરાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે લોકોને રોટલો અને ઓટલો બંન્ને આપવાનું કાર્ય કર્યું છે. ગુજરાતને લેન્ડ ઓફ ઓપર્ચ્યુનીટી બનાવ્યું છે. આથી જ અન્ય રાજ્યના ૨૫ લાખ લોકો ગુજરાતમાં રોજગારી મેળવે છે. આ લોકોને કોરોના વખતે વતનમાં જવાં માટે પણ અનેક ટ્રેનની વ્યવસ્થા કરીને સન્માનપૂર્વક વતનમાં પહોંચાડ્યાં હતાં.
ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ અને રાજ્યનો દશે દિશાઓમાં વિકાસ થાય તે માટે સૌ સમાજને સાથે લઇને સૌનો સાથ- સૌના વિકાસથી વિકાસનું રોલમોડલ બનાવવાનો મનોરથ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ આજે લોકાર્પિત કરેલ ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રૂા. ૩ર.૧૧ કરોડના ખર્ચે અદ્યતન સારવાર સાધનો સાથે નિર્માણ પામ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ વિકાસ કામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૮.૮૮ કરોડના ખર્ચે નિર્મિત ર૯ર આવાસોનું ડિજીટલી લોકાર્પણ કર્યું હતું.
તેમણે પ્રતિક રૂપે લાભાર્થીઓને આવાસની ચાવી પણ અર્પણ કરશે. દુઃખીરામ બાપા સર્કલ થી ટોપ- ૩ સર્કલ સુધીના ૪.૦ કિ.મી. ના રૂા. ૧૦.૯૯ કરોડના ખર્ચે તૈયાર થનાર આર.સી.સી. રોડનું ખાતમૂહૂર્ત પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભાવનગર મહાનગરમાં નારી ખાતે ‘અમૃત’ યોજના અન્વયે રૂ. પ.ર૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા પાંચ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ર.રપ કરોડના ખર્ચે સિટી બ્યૂટિફિકેશન તહેત નિર્માણ થયેલા નારી ગામના તળાવનું અને દુ:ખી શ્યામ બાપા સર્કલથી અધેવાડા તરફ ભાવનગર મહાપાલિકાની હદ સુધી રૂ. ૧૦.૯૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત ડિજિટલી કર્યું હતું.
આમ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ઇન્સ્ટિટ્યૂટ સહિત ભાવનગર મહાનગરને અન્ય વિકાસ કામોની ભેટ આપીને જાણે વિકાસ વર્ષા કરી દીધી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, અખંડ ભારતના નિર્માણ માટે ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું રાજ્ય સૌ પ્રથમ સમર્પિત કરીને ભાવનગરનું નામ ઉજ્જવળ કરી દીધું છે. આજે ભારતનો જે નકશો આપણે આજે જોઇ રહ્યાં છીએ તેના મૂળમાં રાષ્ટ્ર માટેની આવી ભાવના છે.
રાજ્યમાં લાખો લોકોના સ્વાસ્થ્ય, આરોગ્ય જાળવણી માટે સગવડો-સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. તેનાં ઉપલક્ષ્યમાં આજે નવી ટેક્નોલોજી, સાધનો સાથે સુસજ્જ એવું કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટરની આજે શરૂઆત થઇ છે. આ સગવડ ભાવનગરમાં ઉભી થવાથી ભાવનગરના નાગરિકોનો મોટો લાભ થવાનો છે તેમ તેમણે જણાવ્યું હતું.
વર્ષઃ ૨૦૧૩માં આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત મેં કર્યું હતું અને આજે દર્દીઓની સારવાર માટે અદ્યતન સાધનો સાથેની સુસજ્જ એવી કેન્સર હોસ્પિટલ આજે તૈયાર થઇને લોકોની સેવા માટે સમર્પિત થઇ રહી છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, થોડા સમય પહેલાની ભાવનગર મુલાકાતમાં હોસ્પિટલમાં જરૂરી સુધારા-વધારા માટે સ્થળ મેં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. લેપ્રસી હોસ્પિટલ ખાતે પણ કોરોનાની સારવાર વધુ સગવડો ઉભી કરી શકાય તે માટે સ્થળ મુલાકાત લીધી હતી.
તેમને કહ્યું કે, સર ટી.હોસ્પિટલમાં નવું ૧૩ માળનું બિલ્ડીંગ બનાવવાની તથા જૂના અન્ય બિલ્ડીંગમાં પણ સુધારા-વધારા કરવાં માટે ઇજનેરો સાથે સમીક્ષા કરી હતી.
નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરની સંભવિતતાને પગલે વધુ બેડ ઉભાં કરવાં, ઓક્સિજનની સગવડ ઉભી કરવી જરૂરી છે, તેને ધ્યાનમાં રાખીને લેપ્રસી હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન નાખવાનું કાર્ય પણ થઇ ગયું છે. ભાવનગરમાં જ ‘સેન્ટ્રલ મેડિકલ સ્ટોર’ બનાવવાની મંજૂરી આપવામાં આવી દેવામાં આવી છે.
તેમણે કહ્યું કે, લેપ્રસી હોસ્પિટલ ખાતે મેન્ટલ હોસ્પિટલ માટેની પણ મંજૂરીઓ કોરોનાની મહામારી વચ્ચે આપી દીધી છે. કોરોનામાં આપણે અમેરિકા જેવા સાધન સંપન્ન દેશોની સરખામણીમાં આપણે માનવખુવારી ઓછી થઈ છે. તેની પાછળ રાજ્ય અને કેન્દ્ર સરકારની કોરોના માટેની સુદ્રઢ કામગીરી અને અવિરત લડાઇ રહેલી છે.

તેમણે ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ સાથે લોકોએ પણ કોરોનાની માર્ગદર્શિકાઓનું પાલન કર્યું છે તે માટે અભિનંદન આપતા કહ્યું કે, ભાવનગરમાં કેન્સરને લઈને કોઈપણ નાગરિકાના મૃત્યુ ન થાય તેવી નેમ સાથે કોરોના વચ્ચે પણ આ કામ અગ્રતાના ધોરણે પૂર્ણ કર્યું છે.
કેન્સરના રોગની સારવારમાં દર્દીને રૂા. ૫ થી ૧૦ લાખનો ખર્ચો કરવો પડે છે. પરંતુ આપણે મા વાત્સલ્ય, પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ દ્વારા આ કેન્સરની સારવાર નિઃશૂલ્ક કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે ખર્ચ સામે જોયાં વગર સેવા કરી છે. માત્ર કોરોનાની વિનામૂલ્યે સારવાર- સુશ્રૂષા અને ઇન્જેક્શન માટે છેલ્લાં દોઢ વર્ષમાં પ્રાથમિક અંદાજે રૂ. ૫ હજાર કરોડનો ખર્ચ કરી રાજ્યનાં નાગરિકોની મહામૂલી જિંદગી બચાવવામાં આવી છે.
શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, આજે ભાવનગરનાં ઇતિહાસમાં અવિશ્વસ્મરણીય કાર્ય સાકાર થઈ રહ્યું છે. અત્યાર સુધી ભાવનગરનાં લોકોને સારવાર લેવા માટે ભાવનગરની બહાર જવું પડતું હતું. પરંતુ હવે ભાવનગર ખાતે જ આ સગવડ ઉભી થતાં અમદાવાદના ડોક્ટરો ભાવનગરમાં ભાવનગરના વાસીઓની સેવા કરવાં માટે આવશે.
તેમણે કહ્યું કે, વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા બતાવી રાજ્યમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ઉભી કરી રહ્યાં છીએ. જેનો લાભ રાજ્યના નાગરિકોને ખાસ કરીને છેવાડાના માનવીઓને મળી રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં ઓક્સિજન વગર એકપણ નાગરિક મૃત્યુ ન થાય તેવી અથાગ સેવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં થઈ છે. સર ટી. હોસ્પિટલ માટે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ વિશેષ ધ્યાન આપીને ભાવનગરની લાગણી-માંગણી સંતોષી છે તે માટે આભારની લાગણી પ્રગટ કરી હતી.
આ અવસરે ભાવનગર મહાનગરના મેયર કીર્તિબાળા દાણીધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ ધારાસભ્યો જિતુભાઇ વાઘાણી, આત્મારામભાઇ પરમાર, કેશુભાઇ નાકરાણી, આર.સી. મકવાણા, ભીખાભાઇ બારૈયા, કનુભાઇ બારૈયા, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર તથા સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રમ્હભટ્ટ, સર ટી. હોસ્પિટલના ડોક્ટરો તથા ભાવનગરની નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર