અસહ્ય બફારા અને ગરમી બાદ ગીર પંથકમાં ધોધમાર વરસાદ, ગીર સોમનાથમાં 3 કલાકમાં 4 ઈંચ, કપાસ- મગફળીના પાકને ફાયદો

0
96
  • કોડીનારમાં 1.5 ઈંચ અને વેરાવળમાં ધોધમાર વરસાદ
  • રાજકોટમાં ધીમીધારે વરસાદ શરૂ

ગીર સોમનાથ સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો સાર્વત્રિક વરસાદની રાહ જોઈને બેઠા હતાં. ત્યારે આજે ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગીર સોમનાથમાં 3 કલાકમાં 4 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ અને વેરાવળમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદ પડતાં ખેતરમાં ઊભા કપાસ અને મગફળીના પાકને ફાયદો થયો છે. બીજી તરફ રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકના સુત્રાપાડા, વાવડી, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ગીર સોમનાથના વેરાવળમાં 37 મિમિ અને કોડીનારમાં 15 મિમિ વરસાદ પડ્યો છે.

રાજકોટમાં ધીમીધારે વરસાદ
અસહ્ય બફારા અને ગરમી બાદ રાજકોટમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદથી આગાહી કરવામાં આવી છે.

કપાસ અને મગફળીના પાકને વરસાદની જરૂર
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાકને વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. કપાસ અને મગફળીનો પાક વરસાદ વગર સુકાવા લાગ્યો છે. આથી ખેડૂતો પણ ધોધમાર વરસાદની રાહ જોઈને બેઠા છે. પરંતુ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હળવા ઝાપટાથી પાકને પણ પુરતું પાણી મળતું નથી. આથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસ, મગફળી ઉપરાંત મગ, અડદ. તલ, મકાઈ સહિતના પાકોમાં વરસાદની જરૂરિયાત ઉભી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here