ગુજરાત ભાજપના નવા પ્રમુખ સી.આર.પાટીલની ટીમમાં ‘એક વ્યક્તિ એક હોદ્દા’ના નિયમનું પાલન કરાશે

0
316

અગાઉની વાઘાણીની ટીમના મોટાભાગના હોદ્દેદારોને રવાના કરી, સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા પાટીલ એક્ટિવ

ગાંધીનગર ગુજરાત ભાજપ પ્રદેશ માળખાની રચના તેમજ વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીની તૈયારી માટે નવા પ્રમુખ સી. આર. પાટીલ છેલ્લા કેટલાક દિવસોથી સતત બેઠકો કરી રહ્યા છે. જેમાં નવા સંગઠન માળખામાં ‘એક વ્યક્તિ એક હોદ્દા’ના ભાજપના નિયમને અનુસરશે.

15 ઓગસ્ટ સુધી સંગઠન માળખા સાથે ટીમ તૈયાર થશે
રાજ્યના મહાનગરોના સંગઠન માળખા તેમજ પ્રદેશ માળખાની ગૂંચ ઉકેલવા માટે પાટીલ મથામણ કરી રહ્યા છે. આખા રાજ્યમાં 15 ઓગસ્ટ પૂર્વે ભાજપના સંગઠન માળખાની સાથે સી.આર. પાટીલની નવી ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. ભાજપમાં સંગઠન સંરચનાની કામગીરી ગત વર્ષથી શરૂ થઈ હતી પરંતુ મંડલ સ્તરથી આગળ વધી શકી નહતી. એક વર્ષ બાદ પ્રદેશ પ્રમુખની વરણી થતાં ટૂંક સમયમાં પ્રદેશની નવી ટીમ જાહેર કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ યોજાશે
પ્રદેશ મહામંત્રીઓ, ઉપપ્રમુખ, મંત્રીઓની પસંદગીમાં પાટીલ અનુભવી સાથે કેટલાક નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત, નગરપાલિકા ચૂંટણી સાથે 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લક્ષમાં રાખીને સંગઠનનું માળખું વધુ મજબૂત બનાવવામાં આવશે.

કાર્યકર્તાઓ યોગ્યતા પૂરવાર કરવી પડશે
ભાજપ પાટીલની અધ્યક્ષતામાં ચુસ્ત નિયમોનું પાલન કરશે. એક વ્યક્તિ એક હોદ્દાને વળગી રહેવા માટે કાર્યકર્તાએ પોતાની યોગ્યતા પુરવાર કરવી પડશે. ભાજપના સંગઠનમાં પદ નહીં પરંતુ જવાબદારીની પરંપરા છે. આ જવાબદારી સ્વીકારનાર વ્યક્તિ જ આગળ આવી શકશે.