નંબર પ્લેટનું કામ કરતી કંપની માત્ર 3 કલાક ફાળવતી હોવાનો આક્ષેપ
અમદાવાદ જૂના વાહનોમાં એચએસઆરપી ફીટ કરવા માટે સરકારે આપેલી સમયમર્યાદા પૂરી થઇ ગઇ હોવા છતાં હજુ રાજ્યમાં 20 લાખ વાહનોમાં એચએસઆરપી ફીટ કરવાની બાકી છે. અરજદારોની ફરિયાદ છે કે, એચએસઆરપીનું કામ કરતી કંપની બપોરે 3 થી 6 વાગ્યા સુધી જ એપોઇન્ટમેન્ટ ફાળવે છે. લોકો એપોઇન્ટમેન્ટ લઈને આરટીઓમાં જઈએ ત્યારે પણ એચએસઆરપી તૈયાર હોતી નથી. નંબર પ્લેટ ફીટ કરનાર કર્મચારીઓ ચા- પાણીના નામે આડેધડ પૈસા લઈ રહ્યા છે.
ડેટા સમયસર મોકલતા ન હોવાનો આક્ષેપ
કંપનીના અધિકારી રિતેશ સરવૈયાએ કહ્યું કે, નંબર પ્લેટ ફીટ કરાવવા આવે ત્યારે એક કલાકનો સમય થાય છે. કેટલા જૂના વાહનોમાં નંબર પ્લેટ ફીટ થઇ તેના ડેટા અમારી પાસે નથી. પરપ્રાંતના વાહનોની એચ.એસ.આર.પી ફીટ કર્યા પછી ડેટા આરટીઓ દ્વારા સમયસર સર્વરમાં નહીં મોકલવામાં આવતા હોવાથી આરસી બુક પેન્ડિંગ હોઈ શકે છે. પરપ્રાંતમાંથી વાહનો ટ્રાન્સફર થયા પછી આવે ત્યારે અમદાવાદની જે તે આરટીઓની નંબરની એચએસઆરપી ફીટ કરાય છે. પણ ડેટા સમયસર સરકારમાં મોકલવામાં આવતા નથી. જેના લીધે આ ડેટા આરસી બુક તૈયાર કરનાર કંપનીને મળતા નથી.
સમયમર્યાદામાં વધારો કરવા વિચારણા
અંદાજે 15થી 20 લાખ જૂના વાહનોમાં એચએસઆરપી ફીટ કરવાની બાકી છે. હાલ વિવિધ આરટીઓમાં ત્રણ કલાકનો સમય ફાળવાયો છે. જુલાઈ મહિનાની કામગીરીની સમીક્ષા કરાશે. ત્યારબાદ સમય મર્યાદામાં વધારો કરાશે. દિનેશ રાઠોડ, એચ.એસ.આર.પી , વાહન વ્યવહાર વિભાગ