NDRFની 5 એફ ટીમે કોલ્હાપુરમાં 46 પુરુષ, 35 મહિલા, 38 બાળક અને 13 વૃદ્ધ લોકોને રેસ્ક્યૂ કર્યાં છે.
- મહારાષ્ટ્રમાં પૂરથી 200થી વધુ ગામોનો મુખ્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો
- NDRFની 18 ટીમ 6 જિલ્લામાં તહેનાત કરવામાં આવી
- રાયગઢમાં નૌકાદળ અને કોલ્હાપુર, રત્નાગિરિમાં સેનાની મદદ લેવામાં આવી રહી છે
આજે પણ મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત્ છે. વરસાદથી સૌથી વધુ ખરાબ અસરગ્રસ્ત થાણે, રાયગઢ, રત્નાગિરિ, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના 8 હજારથી વધુ લોકોને NDRF, નૌકાદળ અને સેના દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ગુરુવારે સાંજથી લઈને અત્યારસુધીમાં વરસાદથી સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં 129 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યનાં 200થી વધુ ગામોના મુખ્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. વરસાદને લીધે પોતાનો જીવ ગુમાવનારાઓને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે 5 લાખ અને કેન્દ્રને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાને અડીને આવેલા વિસ્તારોમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. શનિવારે સવારથી લોનાવલામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

આ તસવીર ચિપલૂણની છે. અહીં ભારે પૂરને કારણે બિલ્ડિંગના ઘણા માળ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

રત્નાગિરિના ચિપલૂણમાં NDRFના જવાને એક વૃદ્ધ મહિલાને તેના ખભા પર લઈને સલામત સ્થળે પહોંચાડયા હતા.

વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટરની મદદથી ખેડ અને ચિપલૂણ તાલુકામાં લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.
વરસાદને કારણે ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 18 ટીમ 6 જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 8 ટીમને અલર્ટ પર રાખવામાં આવી છે. NDRFની બે ટીમ રાયગઢમાં લેન્ડ સ્લાઈડની જગ્યા પર ગઈકાલથી બચાવકાર્યમાં લાગી ગઈ છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાયગઢમાં નૌકાદળ અને કોલ્હાપુર, રત્નાગિરિમાં સેનાની મદદ લેવામાં આવી રહી છે.

શનિવારે સવારથી ચિપલુણમાં બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પૂરની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં સેંકડો ગામો પાણીમાં ડૂબી ગયાં છે.

સતારાના પાટનમાં NDRFની ટીમે 261 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. તે બધા પૂરગ્રસ્ત ગામમાં ફસાયા હતા.
રાહત કામગીરીના ભાગ રૂપે NDRFના જવાનો પૂરગ્રસ્ત લોકોને ખોરાકનું વિતરણ કરી રહ્યા છે. કોલ્હાપુરના ઘણા ભાગોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શુક્રવારે અવિરત વરસાદને કારણે કોંકણ રેલવે રૂટ પરની સેવાઓ રદ કરવામાં આવી હતી. કોંકણ રેલવેએ જણાવ્યું છે કે હવે ટ્રેનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. મહાડમાં પૂરનું પાણી નીકળી ગયું છે, પરંતુ રસ્તાઓ પર વિનાશના સંકેતો હજુ પણ દેખાય છે. કિની ટોલ પ્લાઝા નજીક પુણે-બેંગલુરુ હાઇવે ભારે વરસાદને કારણે બંધ છે. હાઈવે પર 20 કિ.મી. સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. એમાં દૂધના ટેન્કર, અનાજની ટ્રક ફસાઈ ગયા છે.

રત્નાગિરિમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

રત્નાગિરિમાં જ ભારે વરસાદને કારણે સૌથી વધુ વિનાશ થયો છે.
રાયગઢમાં મૃત્યુઆંક 44 પર પહોંચી ગયો
IMDએ આગામી 24 કલાક સુધી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે અત્યારસુધીમાં 44 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે તલાઈ ગામમાંથી 32 મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય કેટલાક નજીકના ગામમાંથી મળી આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની સાથે વહીવટી તંત્રએ સર્ચ અને બચાવ કામગીરી તેજ કરી દીધી છે. શહેરી વિકાસ અને પીડબ્લ્યુડી મંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે લગભગ 80-85 લોકો ગુમ છે, તેથી એવું માનવામાં આવે છે કે મૃત્યુઆંક વધી શકે છે.

રાયગઢમાં દુર્ઘટના સ્થળે મંત્રી એકનાથ શિંદે પહોંચ્યા હતા.
રત્નાગિરિના પોલાડપુર તાલુકાની ગોવેલે પંચાયતમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું, જેમાં 10થી વધુ મકાનોને અસરગ્રસ્ત હોવાના અહેવાલ છે. સ્થળ પરથી છ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સતારા કલેકટર શેખરસિંહે જણાવ્યું હતું કે પાટનમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન બાદ 30 લોકો ગુમ થયા છે અને 300 લોકોને બચાવવામાં આવ્યા છે. બે વાઈમાં ડૂબી ગયા અને 820 લોકોને કરાડમાં બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે શનિવાર સવારથી બચાવ કામગીરી શરૂ કરી છે.

રત્નાગિરિમાં સૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે.

ચિપલૂણમાં પૂર બાદ ઘણાં બાળકો તેમના પરિવારથી અલગ થઈ ગયાં છે.
કોવિડ હોસ્પિટલમાં પાણી ફરી વળ્યાં
ચિપલૂણની કોવિડ હોસ્પિટલમાં દાખલ આઠ લોકોના પરિસરમાં પાણી ભરાવાને કારણે મોત નીપજ્યાં હતાં. કલેક્ટર બી.એન.પાટીલે માહિતી આપી હતી કે ‘ચાર લોકો વેન્ટિલેટર પર હતા અને વીજળીના અભાવે તેમનાં મોત નીપજ્યાં હતાં એ કારણ હોઈ શકે છે. જ્યારે ટ્રોમાને કારણે ચારનાં મોત નીપજ્યાં હતાં. આ દરમિયાન એકલા રાયગઢ જિલ્લામાં 45થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 13 જુદા જુદા અકસ્માતોમાં ઘાયલ થયા હતા. જિલ્લામાં 40 લોકો હજી ગુમ છે. મહાડ તાલુકાના તાલિયેએ ગામમાં સૌથી વધુ જાનહાનિના 32 કેસ સામે આવ્યા છે.

ચિપલૂણના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
વડાપ્રધાને મૃતકોને આર્થિક મદદ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઇ નિરીક્ષણ પણ કર્યું છે.

NDRFની 8 ટીમ ઓડિશાથી પુણે પહોંચી છે.
કર્ણાટકના 7 જિલ્લામાં વરસાદને લઈને રેડ અલર્ટ
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. અત્યારસુધીમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. 2 લોકો ગુમ હોવાનું જણાવાયું છે. ઓછામાં ઓછાં 8 સ્થળોએ મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. પૂરથી અસરગ્રસ્ત ભાગોમાંથી 9,000થી વધુ લોકોને સ્થળાંતર કરાયા છે અને 7 જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓ છે- દક્ષિણ કન્નડ, ઉદૂપી, ઉત્તર કન્નડ, શિવમોગ્ગા, ચિક્કમગલુરુ, હસન અને કોડાગુ. કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે તેમણે જિલ્લા કમિશનરો સાથે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રાજ્ય સરકાર રાહત અને બચાવ પ્રયાસોમાં તમામ જરૂરી સહાયનો વધારો કરશે. ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે નુકસાન વેઠનારા ખેડૂતોને મદદ કરવામાં આવશે.