ભરૂચ-નર્મદામાં આવેલાં ભૂકંપની મહત્તમ તીવ્રતા 5.4 જયારે ન્યૂનતમ તીવ્રતા 2.6 રીકટર સ્કેલની નોંધાઇ , ભરૂચ-નર્મદામાં 50 વર્ષમાં 21 વાર ભૂકંપ

0
253

રક્ષાબંધને આવેલાં ભૂકંપનું એપી સેન્ટર ભરૂચથી 7 કિમી દૂર અંકલેશ્વરના જૂના માંડવા બુઝર્ગ ગામના નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે નોંધાયું

ભરૂચ જિલ્લામાં સોમવારે રક્ષાબંધનના દિવસે સાંજે 5.19 કલાકે 2થી 3 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં.જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચ તથા નર્મદા જિલ્લામાં એપી સેન્ટર હોય તેવા 1970 થી 2020 સુધીના 50 વર્ષના ગાળામાં 21 વખત ભૂકંપના આંચકા નોંધાયા છે. બંને જિલ્લામાં આવેલાં ભૂકંપની મહત્તમ તીવ્રતા 5.4 જયારે ન્યૂનતમ તીવ્રતા 2.6 રીકટર સ્કેલની નોંધાઇ છે.સોમવારે આવેલા ભૂકંપનું એપી સેન્ટર અંકલેશ્વરના જૂના માંડવા બુઝર્ગ સ્થિત મંદિર પાસે નોંધાયું હતું.

ભરૂચ શહેરમાં 23 મી માર્ચ 1970ના રોજ આવેલાં ભૂકંપની તીવ્રતા 5.4 રીકટર સ્કેલની હતી. જે અત્યાર સુધીમાં સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે. ભરૂચ, આમોદ, નેત્રંગ, આમોદ અને નબીપુર 50 વર્ષમાં ભૂકંપના આંચકાના એપી સેન્ટર રહી ચુકયાં છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો 20મી ઓકટોબર 1980માં કેવડિયામાં 2.6 રીકટર સ્કેલ તથા 9મી જુલાઇ 1979માં રાજપીપળા ખાતે 2.6 રીકટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. આજે સોમવારે રક્ષાબંધનના દિવસે ભરૂચ તથા નર્મદા જિલ્લાને ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં. આ ભૂકંપનું એપી સેન્ટર ભરૂચથી 7 કિમી દુર કેબલ સ્ટેઇડ બ્રીજ નજીક નર્મદા નદીના અંક્લેશ્વર તરફ જૂના માંડવા બુઝર્ગ ગામના મંદિર પાસે નોંધાયું હતું અને તીવ્રતા 3.3 રીકટર સ્કેલ રહી હતી.

ભરૂચ શહેરના કેટલાય વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જોકે, અંકલેશ્વરમાં લોકોને ખાસ અસર જણાઇ ન હતી. ભરૂચમાં ભૂકંપના આંચકાથી લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા હતાં. કોરોનાની સાથે લોકોને ભૂકંપનો પણ ભય સતાવતો હતો. સોશિયલ મીડિયા પર ઘટના ખૂબ વાઇરલ થઇ હતી.

ભૂકંપથી અમે મકાનની બહાર દોડી આવ્યા હતા
હું મારા પરિવાર સાથે ઘરમાં બેઠા વાતો કરી રહ્યાં હતા. તે સમયે અચાનક અમારા મકાનમાં હળવી ધ્રુજારી ઉત્પન્ન થવાથી એમ એક બીજાના ચેહેરા ઉપર જોવા લાગ્યા હતાં. કઈ ખબર પડે તે પહેલા જ આજુબાજુના લોકો ભૂકંપ આવ્યો હોવાની બૂમો સાથે બહાર નીકળી ગયા હતા.જેથી હું પણ મારા પરિવાર સાથે બહાર દોડી આવ્યો હતો.> રિતેશ ભાવસાર, શિલ્પી સ્માઈલ,ઝાડેશ્વર,ભરૂચ

વીજળીના થાંભલાના તાર પણ હલતા દેખાયા હતા
હું અહીંયા ચાવજમાં આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં રહું છું. રવિવારે સાંજે અચાનક ભૂકંપનો આંચકો આવતા ધરતી આખી ધ્રુજાવી નાખી હતી. મને એમ કે ચક્કર આવતા હશે પરંતુ મારી આસપાસના પાડોશીઓ બહાર દોડી આવતા હું પણ ગભરાટના કારણે મારા ઘરમાંથી બહાર દોડી આવી હતી.અમારા આસપાસ ખુલ્લા ખેતર પણ આવેલા છે તેમાં પણ વીજળીના તાર હલવા લાગ્યા હતા.જોકે ભૂકંપનો આંચકો ઘણો જ હળવો હતો એટલે કોઈ જાનહાની થઇ ન હતી.> સૂર્યા અતુલ,રાધેક્રિષ્ના સોસાયટી,ચાવજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here