સુરત ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાથી મોત, પોઝિટિવ કેસનો આંક 14,420

0
295
  • સુરત શહેર જિલ્લામાં મૃત્યુઆંક 632 થયો, કુલ 10,060 રિકવર થયા
  • સુરત સિવિલમાં અને સ્મીમેરમાં કોરોના સંક્રમિતમાં 455 દર્દીઓ ગંભીર
  • સુરત શહેરની સાથે જિલ્લામાં પણ કેસમાં વધારો થયો, આંક 2823 થયો

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 14,420 થઈ ગયો છે. દરમિયાન આજે સવારે પાંચ વાગ્યે ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાથી મોત થયું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 632 પર પહોંચી ગયો છે. ગતરોજ શહેર જિલ્લામાંથી કોરોના સંક્રમિત 227 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાંથી કુલ 10,060 દર્દી સાજા થઇ ગયા છે.

ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા
ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાથી મોત થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા દસ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. દરમિયાન આજે સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. તંત્ર દ્વારા કોવિડની ગાઈડ લાઈન અને પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉર્મિલાબેન શંકરલાલ રાણા વર્ષ 2011-12 દરમિયાન સગરામપુરાના વોર્ડ નંબર 24ના કોર્પોરેટર હતા.

સુરત સિટીમાં કુલ 510 અને જિલ્લામાં 122ના મોત
સુરત શહેરમાં આજ દિન સુધીમાં 11,597 પોઝિટિવ કેસમાં 510ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 2823 પૈકી 122 વ્યકિતના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 14420 કેસમાં 632ના મોત થયા છે. સુરત શહેરમાં ગત રોજ વધુ કોરોના સંક્રમિત 151 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 8037 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં 76 દર્દીને રજા અપાતા કુલ 2023 સાજા થયા છે. સિટી-ગ્રામ્યમાં કુલ 10060 દર્દી સાજા થઇ ગયા છે.

25 કોરોના દર્દી વેન્ટિલેટર પર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 632 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 390 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 341 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 16 વેન્ટિલેટર, 43 બાઈપેપ અને 282 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 164 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 144 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટિલેટર, 37 બાઈપેપ અને 68 દર્દીઓ ઓક્સિજન પર છે.