અમદાવાદીઓને વરસાદની રાહ, ગરમીનો પારો 36.6એ પહોંચ્યો, ભારે ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ

0
302
  • હવામાન વિભાગે શહેરમાં આગામી 3 દિવસ સામાન્ય-ભારે વરસાદની આગાહી કરી છે
  • સૌથી વધુ કચ્છના ભૂજ તાલુકામાં ગરમીનો પારો 38.3 ડિગ્રીએ પહોંચ્યો હતો

અમદાવાદ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જોકે અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી વરસાદ પડ્યો નથી. જેના કારણે ગરમી તેમજ ઉકળાટનો માહોલ સર્જાયો છે. ભારે ઉકળાટના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસમાં શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. શહેરમાં ગરમીનો પારો 36.6એ પહોંચ્યો હતો.

અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘ મહેર વરસી રહી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ડાંગ સહિતના મોટાભાગના શહેરોમાં દરરોજ 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં વરસાદ નહીંવત્ છે. સાથે જ ગરમીનો પારો પણ સતત વધતા લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગ શહેરમાં આગામી દિવસોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ રાજકોટ, મોરબી, કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

3થી 6 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની વકી
વરસાદની ગેર હાજરીને કારણે રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયાં છે. ત્યારે બંગાળની ખાડીમાં મંગળવારથી લો-પ્રેશર સક્રિય થવાથી તા. 4થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સાથે તા. 3થી 6 ઓગસ્ટ દરમિયાન મુંબઇથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, 4 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સાથે અપર એર સર્ક્યુલેશન સક્રિય થશે. તેમજ લો પ્રેશરની સાથે એર સર્ક્યુલેશન પશ્ચિમ દિશામાં ગતિ કરશે.

રાજ્યમાં સૌથી વધુ ભુજમાં 38.3 ડિગ્રી ગરમી

જિલ્લોગરમી (ડિગ્રીમાં)
કચ્છ(ભુજ)38.3
ડીસા37.1
સુરેન્દ્રનગર36.8
અમદાવાદ36.6
રાજકોટ36.5
ગાંધીનગર35
વડોદરા34
દીવ33.8
ભાવનગર32.1