નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાએ પહેરી લીધા છે ભગવા વસ્ત્રો, જીવે છે આવું જીવન, જુઓ તસવીરો

0
1235

ગુજરાત પોલીસમાં ઘણા અધિકારીઓ આવ્યા અને ગયા પણ અમુક અધિકારીઓ એવા હોય છે જેને લોકો ક્યારેય ભૂલી શકતાં નથી. આવા જ એક ઝાંબાજ અધિકારી એટલે સુખદેવસિંહ ઝાલા. પોલીસ ખાતામાં એક સમય એવો હતો કે જ્યારે પણ સુખદેવસિંહ ઝાલાનું નામ લેવામાં આવે ત્યારે સામેવાળા મોટા ચમરબંધીના પણ ટાંટિયા ધ્રુજવા લાગતા હતા. સૌરાષ્ટમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠા સાથે પોતાની અલગ જ ઓળખ ઉભી કરનાર નિવૃત એસીબી સુખદેવસિંહ ઝાલાએ નિવૃત્ત થયા બાદ ખાખી વર્ધી ઉતારીને ગાયત્રી પરિવાર સાથે જોડાઇને ભગવા વસ્ત્રો પહેરી લીધા છે.

સુખદેવસિંહ ઝાલા આજે ભગવા વસ્ત્રોમાં એક સંતની સેવાનું જીવન જીવી રહ્યા છે. વૃક્ષોનું મહત્ત્વ ખૂબ સારી રીતે જાણતા આ નિવૃત્ત અધિકારીએ પોતાના વતન ઝમ્મરમાં 10000થી વધુ વૃક્ષોની વનરાજી ખીલવી દીધી છે. સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ મૃતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોપી દેતો દેહદાનો સંકલ્પ જાહેર કર્યો છે.

લખતર તાલુકાના ઝમ્મર ગામનાં વતની અને જામનગર જિલ્લાને કર્મભૂમિ બનાવનાર સુખદેવસિંહ ઝાલા ડીવાયએસપી તરીકેની ફરજ બજાવતાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતાં. નિવૃત્ત થયા બાદ પોતાનાં વતન એટલે કે ઝમર ગામમાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગર રહે છે. પરંતુ લગભગ રોજે સુરેન્દ્રનગરથી ઝમર આવે છે. અને પોતે પર્યાવરણ પ્રેમી હોઇ ગામ તળાવની પાળે અઢળક વૃક્ષોનાં છોડવાઓ તેઓ દ્વારા રોપવામાં આવેલા છે.

ત્યારે કહેવાય છે ને ખાલી છોડ રોપી દીધે કંઈ ન થાય તેનું જતન પણ કરવું પડે. તેમ આ ઝાંબાઝ નિવૃત્ત પોલીસ અધિકારી પોતે વાવેલા છોડનાં જતન કરે, તેને સમયસર પાણી, ખાતર વગેરે આપી જતન કરતાં જોવા મળે છે. તેઓની આ પ્રવૃત્તિના કારણે જ ગામ તળાવની પાળ ઉપર અઢળક વૃક્ષો આજે ઉગેલા જોવા મળે છે. તો તેઓએ પોતાનાં મૃત્યુ બાદ શરીર મેડિકલ હોસ્પિટલમાં આપી દેવાનો તેમજ પોતાનાં અંગો ડોનેટ કરવા માટેનો નિર્ણય લઈ સંકલ્પ પત્ર પણ ભર્યો હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે પોલીસખાતામાં પહેલેથી જ એક ઈમાનદાર અધિકારી તરીકેની છાપ ઉપસવનાર પીએસઆઇથી ડીવાયએસપી સુધી પહોંચેલા સુખદેવસિંહ ઝાલા નોકરીમાં હતા ત્યારથી જ ગાયત્રી ઉપાસક હતા. અને આજે તો જાણે ભગવા કપડાં ધારણ કરેલા હોય તેમ કેસરી કપડામાં જોતા જ જાણે કોઈ સંત સામે બેઠા હોવાનો અહેસાસ આ લખનારને પણ થયો હોય તેવું જોવા મળતું હતું. તેઓ જ્યારે ડ્યુટી પર હતા ત્યારે તેમણે અનેક મોટા કેસો હેન્ડલ કરેલ તથા અનેક ગેંગને પણ કંટ્રોલમાં રાખી હોવાનાં બનાવો પણ છે. આજે આ પોલીસ અધિકારી સરકારી ફરજમાંથી ભલે નિવૃત્ત થયા હોય પણ એક જમાનામાં સૌરાષ્ટ્રમાં જેમના નામ માત્રથી અસામાજિક પ્રવૃત્તિ કરનારા ડરતા તે અધિકારીને આ પરિધાનમાં વૃક્ષોની માવજત કરતા નિહાળવા તે પણ લ્હાવો ગણાય.

આજના જમાનામાં સરકારી ફરજ બજાવતા અમલદારો આવા અધિકારી પાસેથી કાંઈ ઘડો (શીખ) લે તો ફરી રામરાજ આવી શકે અને લોકોને પણ હાસકારો થાય.આ અંગે ઝમર ગામનાં સરપંચ સિદ્ધરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે તેઓ નિવૃત્ત થયાને દસેક વર્ષથી વધારે સમય થયો. તે સમયગાળામાં તેઓએ અંદાજિત દસેક હજાર છોડનું જતન કરીને વૃક્ષો બનાવેલા છે. જેમાંથી આજના યુવાઓ માટે પ્રેરણારૂપ કિસ્સો કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here