- 3 મહિના સુધી ખાનગી બસ સેવા બંધ હોવાથી કંપનીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે
- સ્ક્રીનિંગ તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા બાદ જ મુસાફરોને બસમાં એન્ટ્રી મળે છે
અમદાવાદ રાજ્યમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી સતત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે તમામ વેપાર-ધંધાને નુકસાન પહોંચ્યું છે. જેમા ખાસ કારીને ટ્રાન્સપૉર્ટ બિઝનેસને મોટી ખોટ પડી છે. સતત 3/4 મહિના સુધી ખાનગી બસ સેવા બંધ હોવાના કારણે કંપનીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે અનલોકમાં સરકારે કેટલીક શરતો સાથે બસ સેવા શરૂ કરાઈ છે. જેમાં 30 ટકાથી વધુ મુસાફરો બેસાડવાની મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે બસ સંચાલકોને ભાડું પોસાય એમ ન હોવાથી હવે ખાનગી લક્ઝરીઓના ભાડામાં 100થી 200 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
હાલમાં એક સીટ પર એક જ મુસાફરને બેસાડવામાં આવે છે
તહેવારોના સમયમાં ખાનગી બસ સેવા શરૂ થતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. પરંતુ અચાનક ભાડાંમાં 100થી 200 રૂપિયાનો વધારો થતા લોકોના બજેટ પર મોટી અસર જોવા મળી છે. બસ સંચાલકોએ પણ મજબૂરીમાં ભાડાં વધારવાનો નિર્ણય લીધો છે. કારણ કે સરકારની ગાઈડલાઈન અનુસાર ખાનગી તેમજ સરકારી એમ તમામ બસોની બેઠક વ્યવસ્થામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ સ્ક્રીનિંગ કરી તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા બાદ જ તમામ મુસાફરોને બસમાં એન્ટ્રી મળે છે. સાથે જ હાલમાં એક સીટ પર એક જ મુસાફરને બેસાડવામાં આવે છે. જેના કારણે બસ સંચાલકોને આર્થિક નુકસાન પડી રહ્યું છે.
મુંબઈ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં આવતી બસો ઘટી
હાલમાં ખાનગી લક્ઝરી બસમાં માત્ર 15થી 20 મુસાફરોને જ બેસાડવામાં આવે છે. તેવામાં બસના ડ્રાઈવર તેમજ ક્લિનરનો ખર્ચ અને ડિઝનનો ખર્ચ કાઢીને બસ સંચાલકને નફાથી વધારે નુકસાન થઈ રહ્યું છે. મુંબઈ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં આવતી ખાનગી બસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે રાજ્યની વાત કરીએ તો અમદાવાદથી સુરત અથવા સુરતથી અમદાવાદ કે અન્ય જિલ્લાઓમાંથી અવર-જવર કરતી ખાનગી બસોની સંખ્યામાં 40 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
ખાનગી બસ સંચાલકોઓ રૂ.100થી રૂ.200 સુધી ભાડાં વધાર્યા
શહેર | પહેલા(ભાડું) | હાલમાં(ભાડું) |
અમદાવાદથી સુરત | રૂ.300થી400 | રૂ.350થી વધારે |
અમદાવાદથી રાજકોટ | રૂ.350થી 400 | રૂ.600થી વધારે |
અમદાવાદથી ભૂજ | રૂ.500થી600 | રૂ.750થી વધારે |
અમદાવાદથી અમરેલી | રૂ.300ની આસપાસ | રૂ. 350થી વધારે |