(ફાઈલ ફોટો).
- 26 જુલાઈ, 2005ના રોજ મુંબઈમાં વાદળો કોઈ અવરોધને લીધે નહીં, પણ ગરમ હવાને લીધે ફાટ્યાં હતાં
- 16-17 જૂન, 2013ના રોજ વાદળ ફાટવાથી કેદારનાથમાં સર્જાયેલા વિનાશકારી પૂરમાં હજારો લોકો માર્યા ગયેલા
- વાદળ ફાટવાથી 20-30 સ્ક્વેર કિમી ભૌગોલિક વિસ્તારમાં 100 મિલીમીટર પ્રમાણમાં વરસાદ વરસે છે
દેશના ઉત્તર ભાગમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં વાદળ ફાટવાની ઘટના બની છે. 28 જુલાઈથી અત્યારસુધીમાં વાદળ ફાટવાની આશરે એક ડઝન જેટલી નાની-મોટી ઘટના બની છે. આ પૈકી મોટા ભાગની ઘટના જમ્મુ-કાશ્મીર તથા લદાખમાં બની છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હિમાલયની આજુબાજુ આવેલાં રાજ્યો, જેવા કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વાદળો ફાટવાની ઘટના અવારનવાર બનતી રહે છે.
હિમાલયના વિસ્તારોમાં વાદળો ફાટવા અંગે વર્ષ 2017માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે આ ઘટનાઓ ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બનતી હોય છે. વાદળ ફાટવાની ઘટના શું છે, એ શા માટે બને છે તેમ જ વાદળ ફાટવાને લગતી વિવિધ ઘટનાઓ વિશે આજે આપણે વાત કરશું.
વાદળ ફાટવું (Cloudburst) એટલે શું?
- વાદળ ફાટવાની ઘટનામાં ખૂબ જ ઓછા સમયમાં અસાધારણ પ્રમાણમાં વરસાદ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો એક કલાકમાં 10 સે.મી. વરસાદ થાય છે તો વરસાદના આ પ્રચંડ સ્વરૂપને વાદળ ફાટવું કહી શકાય છે. એને મેઘ વિસ્ફોટ અથવા ફ્લેશ ફ્લડ પણ કહેવામાં આવે છે.
- એવું માનવામાં આવે છે કે વાદળ ફાટવાની ઘટના સામાન્ય રીતે ધરતીની સપાટીથી 15 કિલોમીટરની ઊંચાઈ પર થાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના મતે અંદાજિત 20-30 સ્ક્વેર કિમી ભૌગોલિક વિસ્તારમાં 100 મિલી મીટર (MM)પ્રતિ કલાકની ઝડપથી આ સ્થિતિમાં વરસાદ વરસે છે.
- કેદારનાથ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના પાછળનાં હવામાન સંબંધિત પરિબળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં વાતાવરણમાં દબાણ, વાતાવરણનું તાપમાન, વરસાદ, વાદળોમાં પાણીનું પ્રમાણ, વાદળ વચ્ચે અથડામણ, વાદળનો ઘેરાવો, વાદળનું મહત્તમ કદ, પવનની ગતિ તથા દિશા તેમ જ ભેજ સંબંધિત અન્ય માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નીચા તાપમાન અને પવનની ધીમી ગતિની સ્થિતિમાં વાદળ દ્વારા આવરવામાં આવતા મહત્તમ લેવલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
- વાદળ ફાટે એવા સંજોગોમાં ચોક્કસ જગ્યા પર કરોડો લિટર પાણી એકસાથે વાદળમાંથી ઠલવાઈ જાય છે, એટલે કે કેટલીક મિનિટમાં 2 સે.મી.થી વધારે વરસાદ થાય છે, જેને લીધે ભારે પૂરની સ્થિતિ સર્જાય છે.
શા માટે વાદળ ફાટે છે?
- આપણા દેશમાં સામાન્ય રીતે પાણીથી ભરેલાં વાદળ ઉત્તર દિશા તરફ ગતિ કરતાં હોય છે, આ માટે હિમાલય પર્વત વાદળો માટે અવરોધરૂપ બનતો હોય છે. આ સંજોગોમાં વાદળ ફાટવાની મોટા ભાગની ઘટના આ વિસ્તારોમાંથી થતી હોય છે.
- જ્યારે ભેજવાળા વાદળ એક જગ્યા પર સ્થિર થઈ જાય છે. એમાં રહેલું પાણી પરસ્પર ભળવા લાગે છે. એક જગ્યાએ સ્થિર થવાથી પાણીના ભારને લીધે વાદળની ડેન્સિટી (density)એટલે કે ઘનતા ખૂબ વધી જાય છે. ત્યાર બાદ ગર્જના સાથે ભારે વરસાદ એક સાથે તૂટી પડે છે.
- મેદાની વિસ્તારોમાં વાદળ ફાટવાની સ્થિતિ અંગે વાત કરીએ તો વાદળ બિલકુલ ગરમી સહન કરી શકતાં નથી. જો ગરમ હવા વાદળને સ્પર્શી લે તો પણ વાદળ ફાટી જવાની શક્યતા રહેલી હોય છે.
- વર્ષ 2005માં 26 જુલાઈના રોજ મુંબઈમાં વાદળ કોઈ વસ્તુના અવરોધને લીધે નહીં, પણ ગરમ હવાને લીધે ફાટ્યાં હતાં. મુંબઈમાં 10 કલાકમાં લગભગ 57 ઈંચ વરસાદ થયો હતો.
વાદળોના કેટલાક પ્રકાર
- વાદળોના આકાર અને ધરતીથી ઊંચાઈના આધારે એને કેટલીક કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ કેટેગરીમાં લો ક્લાઉડ્સ એટલે કે પૃથ્વીથી વધારે નજીક હોય છે. એની ઊંચાઈ આશરે અઢી કિલોમીટર સુધી હોય છે. આ વાદળ દેખાવમાં રંગની દૃષ્ટિએ ભૂરા રંગના વાદળ, કપાસના ઢગલા જેવા કપાસી (cumulus clouds),કાળા રંગની રુઈ વાદળ (cumulonimbus clouds), ભૂરા-કાળા રંગના સ્ટ્રેટ ક્લાઉડ અને ભૂરા-સફેદ રંગના વાદળનો સમાવેશ થાય છે.
- બીજી કેટેગરીમાં મધ્યમ ઊંચાઈવાળાં વાદળો આવે છે. એની ઊંચાઈ અઢીથી સાડાચાર કિમી સુધી હોય છે. આ વર્ગમાં બે પ્રકારનાં વાદળ હોય છે, એક અલ્ટોસ્ટ્રાટસ (Altostratus)અને અલ્ટોક્યુમુલસનો સમાવેશ થાય છે.
- ત્રીજી કેટેગરીમાં સમાવેશ ધરાવતા વાદળ 4.5 કિમીથી વધારે ઊંચાઈ પર આવેલાં હોય છે. એમાં રેસાદાર એટલે કે Cirrostratus વાદળ આવે છે.
- આ પૈકી ક્યુમુલોનિમ્બસ (cumulonimbus clouds) વાદળ ફાટવાની ઘટના માટે જવાબદાર માનવામાં આવે છે. આ વાદળ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. આ વાદળની લંબાઈ 14 કિલોમીટર સુધી હોય છે, જ્યારે આ પ્રકારનાં વાદળોમાં ભેજની સ્થિતિ ઓચિંતા જ પહોંચવાનું બંધ થઈ જાય અથવા તો પવન આ વાદળમાં પ્રવેશી લે તો સફેદ વાદળનો રંગ બદલાઈને કાળા રંગમાં પરિવર્તિત થઈ જાય છે, જેને લીધે ભારે ગર્જના સાથે ભારે વરસાદનું કારણ બને છે. આ વાદળમાંથી વરસાદનું એટલું વ્યાપક પ્રમાણ હોય છે કે જાણે આકાશમાંથી એક નદીની ધાર વહેવા લાગી હોય.
વાદળ ફાટવાને લીધે સર્જાયેલી ઘટનાઓ
- વર્ષ 2013માં 16 અને 17 જૂનના રોજ ઉત્તરાખંડમાં કેદારનાથમાં વિનાશ સર્જાયો હતો. વાદળ ફાટવાની ઘટનાને લીધે આવી સ્થિતિ ઉદ્ભવી હતી. એને લીધે કેદારનાથ ધામમાં ભારે વરસાદને લીધે મંદાકિની નદીમાં ભારે પૂર આવ્યું હતું.
- 18 જુલાઈ 2009ના રોજ પાકિસ્તાનના કરાચીમાં વાદળ ફાટવાને લીધે ભારે પૂર આવ્યું હતું. એ સમયે ફક્ત બે કલાકમાં 250 મિમી વરસાદ થયો હતો.
- 6 ઓગસ્ટ, 2010ના રોજ લદાખના લેહ શહેરમાં એક પછી એક અનેક વાદળ ફાટ્યાં હતાં, એને લીધે 115 લોકોનાં મોત થયાં હતાં.