છોટી કાશી ગણાતા જામનગરમાં 57 વર્ષથી ગૂંજી રહ્યો છે અખંડ રામધૂનનો નાદ, બે ગિનિસ રેકોર્ડર્સ સર્જનાર બાલા હનુમાન મંદિર નો ઈતિહાસ

0
301

છોટી કાશી ગણાતા જામનગરમાં  આવેલ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન પામેલ વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે ચાલતી શ્રીરામ જયરામ જયજયરામ ની અખંડ રામધૂન  57 વર્ષ પૂર્ણ કરી 58માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જામનગર શહેરની મધ્યમાં રણમલ તળાવ એટલે કે લાખોટા તળાવની તદ્દન નજીક છેલ્લા 57 વર્ષથી જ્યાં અખંડ રામધૂન ચાલે છે તે બાલા હનુમાનજી સંકીર્તન મંદિર 58 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

બિહાર થી દ્વારકા તરફ જઈ રહેલા પ્રેમભિક્ષુજી મહારાજ એ જામનગર માં 1 ઑગસ્ટ, 1964થી પર્ણકુટી બાંધી રામનામની અલખ જગાવી હતી. જામનગરમાં બલાહનુમાન મંદિરે જ્યાં રામનામની અખંડ રામધૂન 57 વર્ષથી 24 કલાક રાત દિવસ અખંડ ચાલી રહી છે. ભાવિકો શ્રીરામ જયરામ જયજયરામ ના જપ ચાલી રહ્યા છે. છેલ્લા 57 વર્ષથી પાકિસ્તાન સાથેના યુદ્ધ હોય કે, વાવજોડા,ભૂકંપ અને અન્ય આપત્તિઓ વચ્ચે પણ દરરોજ અખંડ રામધૂન નું સતત આસ્થા ભેર સંગીત સાથે ભાવિકો ગાયન કરે છે.

સતત 24 કલાક ચાલી રહેલી અખંડ રામ ધૂનને કારણે 1982માં સૌપ્રથમ વખત શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ 1988માં પણ ફરી બીજી વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે.

સતત બે વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા જામનગર નું બાલા હનુમાન મંદિર 57 વર્ષ પૂર્ણ કરી 58માં વર્ષમાં આજે પ્રવેશી રહ્યું છે.

જામનગરના બાલા હનુમાન મંદિર ટ્રસ્ટ ના મંત્રી વિનુભાઈ તન્નાના જણાવ્યા અનુસાર વર્ષ 1964થી પ્રેમભિક્ષુજી મહારાજ એ શરૂ કરાવેલી શ્રી રામ જય રામ જય જય રામ ની ધુન રામ ધુન ના 20,817 દિવસ પૂર્ણ કરી આજે 2021ના ઓગસ્ટના પ્રારંભે 20,818માં દિવસે પહોંચી છે. જ્યારે આજે સવારથી જ ભાવિકો બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે અને ખાસ કોરોનાની મહામારી ને ધ્યાને લઇને વર્તમાન પરિસ્થિતિમાં માત્ર મહાઆરતી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

અહેવાલ- સાગર સંધાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here