રાજકોટ : વિજય રૂપાણીના ૬૫માં જન્મદિન નિમિતે અનેક સ્થળોએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો.

0
335

રાજ્યના સંવેદનશીલ માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે તા. ૦૨/૦૮/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બે સ્થળોએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો.

સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાને બદલે “સેવા યજ્ઞ” હાથ ધર્યો છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્ત રીતે “સેવા સેતુ” કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે અને ઈસ્ટ ઝોન માટેનો સેવા સેતુ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયો.

માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ત્રણ સેવાઓનો શુભારંભ થયો.

• પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ

• જી.આઇ.એસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ

• તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિવસના અનુસંધાને તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ સેવા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સવારે ૦૯.૦૦ વાગ્યાથી બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરના સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્ત રીતે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ અને ઈસ્ટ ઝોન માટે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો હતો. ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધન કરતા માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમ કહ્યું હતું કે, સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાને બદલે “સેવા યજ્ઞ” હાથ ધર્યો છે. નવ દિવસમાં અનેક વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. કોઇ પણ રાજ્યના વિકાસની પ્રાથમિક શરતો રાજકીય સ્થિરતા, રાજકીય ઇચ્છાશક્તિ, ઈમાનદારી, નિર્ણાયકતા, સંવેદનશીલતા, પ્રગતિશીલતા છે. આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશનું સુકાન સંભાળી રહેલ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે જનભાગીદારીના આધારે વિકાસનો જે પાયો નાખ્યો હતો, ત્યાંથી આગળ વધતા સરકારે ગુજરાતની પ્રગતિ માટે શ્રેણીબદ્ધ વિકાસકામો કર્યા છે અને ભવિષ્યમાં પણ આ સિલસિલો જળવાઈ રહેશે. માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં બધું થંભી ગયું હતું ત્યારે પણ સરકાર દ્વારા પ્રજા ઉપયોગી કાર્યો ચાલુ રહ્યા હતા. એ ખરેખર “સેવા યજ્ઞ” છે. આ કપરા સમયમાં પણ રૂ.૧૬,૦૦૦ કરોડના વિકાસ કાર્યો સરકારે કર્યા છે. આજના દિવસે સાચા અને નાના લાભાર્થીઓ લાભથી વંચિત રહી ન જાય અને ખોટા લાભાર્થીઓ લાભ ન લઇ જાય તેની ચિંતા સરકારે કરી છે. અમારી સરકાર લોકોની આકાંક્ષા પૂરી કરવાવાળી સરકાર છે. અમે વોટ બેંક ઉભી કરવા માટે નહિ પરંતુ, લોકોના હિત અને પ્રગતિ માટે આવ્યા છીએ. અમારી સરકાર સત્તા માટે નહિ પરંતુ, લોકોની સેવા માટેની સરકાર છે. અત્યાર સુધીના સેવા સેતુના કાર્યક્રમોમાં કરોડો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો છે. હવે સરકાર ઈ-સેવા સેતુની નવી પહેલ કરશે. લોકોને દરરોજ સમયસર સેવાનો લાભ મળતો રહે તે માટે આયોજન કરેલ છે. માન.મુખ્યમંત્રીએ એમ કહ્યું કે, સરકાર પારદર્શકતાના આધાર પર ફેઈસલેસ વ્યવસ્થા, અલગ અલગ વિભાગમાં ઓનલાઈન સેવા શરૂ કરશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું. પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દુર કરવા રાજ્ય સરકાર સંખ્યાબંધ નિર્ણયો લઈ રહી છે. જેને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. રાજ્યને વિકાસનું રોલ મોડેલ બનાવવાની સાથે સમૃધ્ધિ તથા પ્રગતિના પથ પર સદાને માટે અગ્રેસર બનાવવા માટે રાજ્યના નાગરિકોની ચેતનાને જગાડવા માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે. રાજ્યના નાના માણસો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો જ રહ્યા છે, તથા તેમને અનુલક્ષીને જ વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે. રાજ્યના સમગ્ર વહીવટી તંત્ર પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારે વહીવટીતંત્રને સંવેદનશીલ તથા લોકાભિમુખ બનાવવાના પ્રયત્નોની પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છણાવટ કરી હતી અને નાગરિકોના સહકારની અપેક્ષા ઉચ્ચારી હતી. પોતાની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવનાર તમામ પ્રત્યે મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેંન્ડીંગ કરાયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા ૫૦ હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. જે.એમ. ફાઉન્ડેશનના આ સ્તુત્ય અભિગમને મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રીએ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત ‘‘એક વાલી યોજના’’ તથા “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના”, રાજકોટ મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલ” અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો.

આ અવસરે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે સંવેદના સાથે અમલી બનાવેલી “મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના” ની ટૂંકી વિગતો આપી હતી. કોરોનાને લીધે વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના શિક્ષણની ફી સ્કૂલમાં જમા કરાવવાનો પ્રારંભ કરનાર જે.એમ. ફાઈનાન્સિયલ ફાઉન્ડેશનના સંચાલકોનો મંત્રી ઈશ્વરભાઈ પરમારે આભાર માન્યો હતો.

આ પ્રસંગે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” , “એક વાલી યોજના” અને “ગંગાસ્વરૂપ મહિલા પુન:લગ્ન આર્થિક સહાય યોજના” ની વિગતો રજૂ કરતી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું. મુખ્યમંત્રી સહિતના આમંત્રીતોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ મુખ્યમંત્રી રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, અને પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટને પ્રદાન કરેલા વિકાસલક્ષી પ્રકલ્પો બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અગ્રસચિવ કે. કૈલાશનાથન, સચિવ સુનયના તોમર અને કે.કે.નીરાલા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,  મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ, અધિક કલેક્ટર એન.આર. ધાધલ, અને એન. એફ. ચૌધરી,  પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સિદ્ધાર્થ ગઢવી અને વીરેન્દ્ર દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, અગ્રણી અંજલીબેન રૂપાણી, કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજ, સેવા સેતુ કાર્યક્રમની વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દરમ્યાન ઈસ્ટઝોન ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ડે.કમિશનર આશિષ કુમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ઈસ્ટઝોનના વોર્ડના કોર્પોરેટરઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવેલ, ઉપરાંત  રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ નવી સેવાઓ (૧) પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, (૨) જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ અને (૩) તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર આપવાની પ્રણાલીનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.

જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટેની મોબાઈલ – એપ

રાજકોટ શહેર માટેની જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, કે જે મોબાઇલ એપ થકી મુસાફરોને પરિવહન સેવાઓ હેઠળની તમામ બસના રૂટ તથા સમય પત્રકની માહિતી તેઓના મોબાઇલ પર સરળતાથી મળી શકશે તેમજ શહેરના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ઉપલબ્ધ બસની ટીકીટ મોબાઇલ એપ થકી મેળવી શકાશે. 

GIS ઈનેબલ્ડ સિટિઝન પોર્ટલ – ( gis.rmc.gov.in )

રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી. દ્વારા પાન સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત GIS (Geographic Information System) પ્રોજેક્ટ હેઠળ સિટીઝન પોર્ટલ (gis.rmc.gov.in) બનાવવામાં આવેલ છે. આ સિટિઝન પોર્ટલમાં હાઈ રીઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત GPR (Ground Penitration Radar) ટેકનોલોજી નાં ઉપયોગ વડે શહેરના ૪,૦૦૦ (ચાર હજાર) કલોમીટર રસ્તાઓની નીચે રહેલ વિવિધ પ્રકાર ની યુટિલિટી  જેવી કે પાણી ની પાઈપ લાઈન, ડ્રેનેજ પાઈપ લાઈન , જુદા જુદા કેબલ નેટવર્ક  વિગેરેનો સર્વે કરી મેપ પર પ્લોટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોર્ટલ પરથી નીચે મુજબની વિવિધ પ્રકારની માહિતીઓ જેવી કે ઝોન બાઉન્ડ્રી, વોર્ડ બાઉન્ડ્રી, વોર્ડઓફિસ, શાળાઓ, હોકર્સઝોન, શહેરી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, ઉદ્યાનો અને બગીચાઓ , geo-tagged કરેલા મિલકત, રસ્તાઓ,  રોડ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, સ્ટોર્મ વોટર, અંડર ગ્રાઉન્ડ નેટવર્ક , ટી.પી.સ્કીમ્સ, સિટી સર્વે બાઉન્ડ્રી અને સિટી સર્વે નંબર, રેવન્યુ સર્વે બાઉન્ડ્રી અને નંબર, અસલ પ્લોટ વિગતો, અંતિમ પ્લોટ વિગતો, એફ-ફોર્મ વિગતો વિગેરે મેળવી શકાશે.

જન્મ મરણનાં દાખલાઓ વોર્ડ કક્ષાએથી મળવાનો શુભારંભ

રાજકોટના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રો હાલમાં ઝોનલ કચેરી પર આપવામાં આવે છે. શહેરીજનોને પોતાના ઘરની નજીક  વોર્ડ પરથીજ જન્મ-મરણના પ્રમાણ પત્ર મળી રહે તેમાટે રાજકોટ મહાનાગરપાલીકાની ઝોનલ કચેરી  ઉપરાંત તમામ ૧૮ વોર્ડ ઓફીસેથી જ જન્મ-મરણના દાખલા તથા તેમાં સુધારા અને આં ઉપરાંત જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ દાખલ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here