પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે 50 ઓબ્ઝર્વર મુકાયા
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ શાખાની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના 66 પરીક્ષા કેન્દ્ર પર 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. UGC અને રાજ્ય સરકારની પરીક્ષા લેવાની સૂચના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પી.જી.ની પરીક્ષાઓ શરૂ થઇ છે. આ સાથે જ યુ.જી. સેમેસ્ટર-6ની બાકી વિષયોની પરીક્ષા પણ લેવામાં આવી રહી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે 50 ઓબ્ઝર્વર મુકાયા છે.
હું સ્વસ્થ છું તેવું ડેક્લેરેશન દરેક પરીક્ષાર્થી પાસે ભરાવાશે
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા 4 ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષામાં કુલ 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 66 પરીક્ષા કેન્દ્ર ખાતે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે CCTVથી વોચ રાખવામાં આવી રહી છે અને 50 જેટલા કેન્દ્ર પર દરરોજ ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે માસ્ક અને સેનિટાઇઝર ફરજિયાત કરાયા છે. પરીક્ષામાં પ્રથમ વખત ‘હું સ્વસ્થ છું’ તેવું ડેક્લેરેશન દરેક પરીક્ષાર્થી પાસે ભરાવવામાં આવી રહ્યું છે. પરીક્ષા પહેલા અને પછી દરરોજ પરીક્ષા કેન્દ્રોને સેનિટાઇઝ કરવામાં આવશે.
વિદેશી વિદ્યાર્થીની પરીક્ષા ફાર્મસી ભવનમાંથી લેવાશે
સૌરાષ્ટ્ર યુનિ.માં ફાર્મસી, અંગ્રેજી, મેથેમેટિક્સ ભવનમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓ પી.જી.ની પરીક્ષા ઓનલાઇન આપશે. જેમાં ફાર્મસી ભવનના 3, મેથેમેટિક્સ અને અંગ્રેજી ભવનના 1-1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ બન્ને ભવનોના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ફાર્મસી ભવનમાંથી લેવાશે.