ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સામાન્ય સભા યોજાઈ

0
351

મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે ચેમ્બરના સામયિકનું વિમોચન કરાયું

રાજયનો સર્વાંગી વિકાસ એ જ સરકારનો મૂળ મંત્ર, રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાત મોખરે – ઉર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ

જામનગર તા.૦૨ ઓગસ્ટ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉર્જા મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સત્રની પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી.

આ સભામાં મંત્રી એ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી આગળ વધવા અને નવા ઉદ્યોગ અને નવા ઉદ્યોગોની એન્ત્રપ્રિન્યોરશીપ માટેની ધગશ ધરાવતા લોકોને આગળ વધવા આહવાન કર્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ દરમિયાન વિકાસના અનેક કામો થયા છે. જન પ્રતિનિધિઓ પ્રજાની સાથે રહી કોરોના  અને તાઉતે જેવા અનેક પડકારોનો સામનો કર્યો છે. રાજ્યમાં ખેડૂતો-મહિલાઓ દરેક વર્ગનો વિકાસ થયો છે. ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના દ્વારા હાલ ૫૦૦૦ ગામને અને ૨૦૨૨ સુધીમાં બાકી રહેલા ૧૩ હજાર ગામોના ખેડૂતોને પણ દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે. રિન્યુએબલ એનર્જીએ વિશ્વની ઝુંબેશ છે, જેમાં પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ આગેવાની લીધી છે તો ગુજરાત પણ ત્રીસ હજાર મેગાવોટ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કરી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતને મોખરે લાવવામાં પ્રતિબદ્ધ બન્યું છે. કાર્યરત ઉદ્યોગોને પણ રિન્યુએબલ એનર્જીનો લાભ મળે છે  સાથે જ આગામી દિવસોમાં સખી મંડળની બહેનોને વ્યાજ વગર એક લાખની લોન, સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના થકી ખેડૂતોને નવા લાભો, યુવાનોને રોજગારી પત્ર એમ દરેક વર્ગનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે. સર્વાંગી વિકાસ એ જ સરકારનો મૂળ મંત્ર છે.

જામનગરમાં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનો બહોળો વિકાસ થયો છે ત્યારે સરકાર દ્વારા જામનગરના નાના ઉદ્યોગકારોને પણ આગળ આવવા માટે લાભ થાય તે વિશે ધ્યાન આપવામાં આવશે તેમ મંત્રી એ ઉમેર્યુ હતું.

આ તકે, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ અને પાસ પ્રમુખ ઓએ મંત્રી નું સ્વાગત કર્યું હતું તેમજ કોરોના કાળમાં પણ જામનગર ખાતેના  ઉદ્યોગોને રાજ્ય સરકારનો સતત સહયોગ પ્રાપ્ત થયો તે બદલ પ્રભારી મંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રી ના હસ્તે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સામયિકનું વિમોચન કરવામાં આવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે,  જામનગર ચેમ્બર ઓફ કોમર્સ પશ્ચિમ ભારતની સૌથી જૂની ચેમ્બર ઓફ કોમર્સ છે. ભારતમાંથી નિકાસ થતા વિશ્વના વપરાશના ૨.૯ ટકા બ્રાસમાં ૨.૧૬ ટકા જેટલું બ્રાસ એકમાત્ર જામનગર નિકાસ કરે છે. ત્યારે જામનગરના એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોનો પણ વિકાસ થાય તે માટે નવી જી.,આઇ.ડી.સીઓ, નવનિર્મિત ઉદ્યોગોને અવિરત વિજ પુરવઠા માટેની ખાત્રી મંત્રી એ આપી હતી.

આ સભામાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ રમણીકભાઈ, માનદમંત્રી અક્ષત વ્યાસ, કૌશલ શેઠ, તુષારભાઈ, સુધીરભાઈ તેમજ પાસ પ્રેસિડેન્ટ ઓ અને ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  

અહેવાલ:- સાગર સંઘાણી, જામનગર